Get The App

5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30%  વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા 1 - image


Cyber crime in Gujarat:
ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક 30 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જ (પ્રથમ 9 મહિનામાં) સાયબર અપરાધીઓએ ગુજરાતીઓના રૂ.1,011 કરોડ ચાઉં કરી લીધા છે, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે.

આંકડાકીય માહિતી અનુસાર, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ 9,240 લોકો સાથે છેતરપિંડી આચરીને કુલ રૂ.397 કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. આ ઉપરાંત ખોટી ઓળખ આપીને, ઓટીપી (OTP) અને કાર્ડ ફ્રોડના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખોટી ઓળખ આપીને ગઠિયાઓએ 27,816 લોકો પાસેથી રૂ.137 કરોડ ખંખેરી લીધા છે.

ક્રાઈમ રેટનું ગણિત: પ્રતિ કલાક 21 ફરિયાદ 

ગુજરાત જાણે સાયબર અપરાધીઓ માટે ‘મોકળું મેદાન’ બની ગયું હોય તેમ આંકડા બોલી રહ્યા છે વર્ષ 2020માં રોજના સરેરાશ 155 ઓનલાઈન ગુના-ફરિયાદ નોંધાતી હતી. (પ્રતિ કલાક સરેરાશ 6 ફરિયાદ). જ્યારે વર્ષ 2025માં દરરોજની સરેરાશ 521 ફરિયાદો આવી રહી છે. (પ્રતિ કલાક સરેરાશ 21 ફરિયાદ). છેલ્લા 5 વર્ષમાં કુલ 4.81 લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં નાગરિકોએ કુલ રૂ.3,387 કરોડ ગુમાવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમમાં બહુ મોટો વધારો થયો નથી. 2020માં રૂ.70,313 સામે 2025માં રૂ.71,204 ગુમાવવાનો વારો આવ્યો છે.

સિનિયર સિટીઝન્સ સોફ્ટ ટાર્ગેટ: ‘ડિજિટલ હાઉસ એરેસ્ટ’નો ભય 

સાયબર નિષ્ણાતોના મતે, ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી બદલાઈ છે. હવે તેઓ ખાસ કરીને પેન્શનર્સ અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. ખોટો ભય બતાવી, પોલીસ કે સીબીઆઈના નામે ધમકાવી ‘હાઉસ એરેસ્ટ’ કરવાના બહાને અથવા શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના જીવનભરની મૂડી લૂંટી લેવામાં આવે છે.

પોલીસ શું કહે છે? 

સાયબર ક્રાઈમ અટકાવવા સીઆઈડી (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ સતત સક્રિય છે અને રિકવરી માટે ટોળકીઓને પકડી પણ રહી છે. નોકરીની લાલચ, સાયબર સ્લેવરી, ઓનલાઈન બેટિંગ અને લોન સ્કેમ સહિત 50 જેટલી અલગ-અલગ પદ્ધતિથી લોકો લૂંટાઈ રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તંત્ર ગમે તેટલા પગલાં લે પરંતુ જ્યાં સુધી નાગરિકોમાં ‘સ્વયં જાગૃતિ’ નહીં આવે ત્યાં સુધી સાયબર ક્રાઈમથી બચવું મુશ્કેલ છે.

Tags :