ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી
ફ્રોડ લાગતા ફોન બંધ કર્યો તો પણ બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા કપાઇ ગયા ઃ ૧૯૩૦ પર ફરિયાદ કરતા રૃા.૩.૦૫ લાખ પરત મળ્યા
વડોદરા, તા.17 ગેસ બિલ બાકી છે તેવો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓએ કારેલીબાગ વિસ્તારના રહીશના એકાઉન્ટમાંથી રૃા.૧૨.૮૧ લાખ બારોબાર ઉપાડી ઠગાઇ કરી હતી.
કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલી પ્રતિક્ષા સોસાયટીમાં રહેતા વંદનાબેન દિનેશભાઇ મહાડિકે વડોદરા શહેર સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૨ જૂનના રોજ સાંજે મારા પતિના વોટ્સએપ નંબર પર એક મેસેજ આવ્યો હતો અને તમારુ ગેસ બિલ ભરાયું નથી, સાંજ સુધી નહી ભરો તો ગેસ કનેક્શન ડિસકનેક્ટ કરવામાં આવશે તેમ જણાવી વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
મારા પતિએ આપેલ નંબર પર ફોન કર્યો તો લાગ્યો ન હતો પરંતુ સામેથી આવેલા એક ફોન પર પતિએ બિલ ભર્યુ છે તેમ જણાવતા સામેથી કહ્યુ એક ફાઇલ વોટ્સએપ પર મોકલી છે તેને ખોલો. અમે ફાઇલ ઓપન કરવાનો પ્રયત્ન કર્યો પણ ખૂલતી ન હતી જેથી સામેથી એક વીડિયોકોલ આવ્યો હતો અને સુચના મુજબ કરતા ગેસબિલ અપડેટ થયેલું જણાયું હતું. સામેથી એમ કહ્યું કે રૃા.૧૨ ભરો તો નવા બિલમાં પરત આવી જશે અને કાર્ડ નંબર તેમજ સીવીસી નંબરની માહિતી માંગી હતી. જો કે ફ્રોડ લાગતા અમે વિગતો ભરી ન હતી અને તેમણે જણાવ્યા મુજબની દેખાતી એપ્લિકેશન પણ બંધ કરી દીધી હતી.
થોડા સમયમાં અલગ અલગ નંબરો પરથી ફોન આવતા ફોન સ્વિચ ઓફ પણ કરી દીધો હતો. બાદમાં રાત્રે ૧૦ વાગે ફોન ચાલુ કરતાં અલગ અલગ બેંક ટ્રાન્ઝેક્સનના ઓટીપી આવ્યા હતાં અને આરબીએલ બેંન્કનો એક મેસેજ આવ્યો હતો જેમાં અમારા બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૃા.૧૨.૮૧ લાખ ઉપડી ગયા હોવાનો ઉલ્લેખ હતો. અમે તુરંત જ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ આપતા કુલ રૃા.૩.૦૫ લાખ રિફંડ મળ્યા હતાં.