Get The App

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો

ભદકોદરા પોલીસ ચોકીનો કોન્સ્ટેબલ સુનિલ પરમાર વારંવાર લાંચની માંગણી કરતો હતો

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ  બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો 1 - image

વડોદરા, તા.24 સાયબર ક્રાઇમમાં ફ્રીઝ થયેલ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલને વેપારી પાસેથી રૃા.૨૫ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના એક વેપારીનું વેપાર સંબંધિત બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બાબતે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનની ભદકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઇશ્વરભાઇ પરમાર વેપારીનો ફોન પર વારંવાર સંપર્ક કરી લાંચની માંગણી કરતો  હતો.

દરમિયાન થોડા દિવસો પહેલા કોન્સ્ટેબલ સુનિલ પરમાર વેપારીને રૃબરૃ મળ્યો હતો અને બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૃા.૨૫ હજારની લાંચની માંગણી કરી હતી. જો કે વેપારી લાંચની રકમ આપવા માંગતા નહી હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કર્યો હતો. આ અંગે વડોદરાની એસીબી કચેરીના ફિલ્ડ પીઆઇ એ.એન. પ્રજાપતિએ મદદનીશ નિયામક બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ લાંચનું છટકું ગોઠવ્યું હતું.

આજે સાંજે વાલીયા ચોકડીથી ભરૃચ જતા રોડ પર આવેલી દુકાનની બહાર કોન્સ્ટેબલ લાંચની રકમ લેવા આવ્યો અને હેતુલક્ષી વાતચીત કર્યા બાદ રકમ લેતાં જ એસીબીએ કોન્સ્ટેબલને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડયો  હતો.