૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર
વિડિયો કોલ કરી ધરપકડની ધમકી આપી હતી
વડોદરા : તમારા બેંક એકાઉન્ટમાં રૃા.૨૫ લાખની છેતરપિંડી કરવામાં આવી છે તેમ જણાવી મહિલાને ધરપકડની ધમકી આપી ૬૧ લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા સાઇબર ગઠીયાએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતી મહિલાનેઅજાણ્યા શખ્સે ફોન કરી
જણાવ્યું હતું કે, તે અંધેરી પોલીસ સ્ટેશનમાંથી પાટીલ બોલે
છે અને તમારા આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં છેતરપિંડી થઇ છે અને મની લોન્ડરિંગના
કેસમાં એક આરોપીની અમે ધરપકડ કરી છે. ત્યાર બાદ આ શખ્સે સાઇબર ક્રાઇમના અધિકારી
સાથે અને ડીસીપી મિલીંદ નામના શખ્સ સાથે વાત કરાવી હતી. ડીસીપી મીલિંદે તપાસમાં સહકાર નહી આપો તો તમારી ધરપકડ કરીશુ
તેવી ધમકી આપી વિડીયો કોલ પણ કર્યો હતો.
આરોપીઓની ધમકીથી ગભરાઇને મહિલાએ આરોપીઓની સુચના મુજબ તમામ નાણાં
આરોપીઓએ જણાવેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને આ રીતે આરોપીઓએ ૬૧ લાખની
છેતરપિંડી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ
ગુનામાં પોલીસે શીવમ ખેરનાર નામના શખ્સની ધરપકડ કરી હતી, જે
હાલ જેલમાં હોઇ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.