પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી સિલિન્ડર રાખવા પર પ્રતિબંધ

નવા નિયમ મુજબ ગ્રાહક એક જ ગેસ કનેક્શન રાખી શકશે
કનેક્શન રદ કરાવી તાત્કાલિક એલપીજી સિલિન્ડર જમા કરાવા જિલ્લા વહીવટી
તંત્રનો આદેશ
સુરેન્દ્રનગર - ભારત સરકારના પેટ્રોલિયમ
અને કુદરતી ગેસ વિભાગના નવા સુધારા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થામાં
મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી જે ગ્રાહકો પાસે પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ)ની
સુવિધા છે,
તેઓ ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરી શકશે નહીં.
જે નાગરિકો પાસે બંને કનેક્શન છે, તેમણે પોતાનું એલપીજી કનેક્શન રદ
કરાવી તાત્કાલિક અસરથી ગેસના સિલિન્ડર પરત કરવાના રહેશે. આ નિયમ મુજબ, પીએનજી ગ્રાહકો હવે સરકારી ઓઈલ કંપનીઓ પાસેથી ગેસ રિફિલ મેળવી શકશે નહીં
કે નવું એલપીજી કનેક્શન પણ લઈ શકશે નહીં. આ આદેશના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લાની
પીએનજી અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ડેટા મેપિંગ કરી સંયુક્ત કાર્યવાહી કરવા સૂચના
અપાઈ છે. ડેટા મેપિંગ દ્વારા ડબલ કનેક્શન ધરાવતા ગ્રાહકોની ઓળખ કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ નિયમનું પાલન કરવા અને સ્વેચ્છાએ
વધારાના કનેક્શન જમા કરાવી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









