Gujarat

નડિયાદના આઇનોક્સ થિયેટરમાં ફૂગવાળી ગાર્લિક બ્રેડ નિકળતા ગ્રાહકનો હોબાળો

By GS TEAM
29 Mar 20262 mins read
નડિયાદના આઇનોક્સ થિયેટરમાં ફૂગવાળી ગાર્લિક બ્રેડ નિકળતા ગ્રાહકનો હોબાળો

- મનોરંજનના સ્થળે બેદરકારી, આરોગ્ય સાથે ચેડાં

- ગ્રાહકને ફી પિઝા અને તેનું વળતર આપી સંચાલકોનો મામલો દબાવવાનો પ્રયાસ, ગ્રાહક ફૂડ વિભાગમાં ફરિયાદ કરશે  

નડિયાદ : નડિયાદના આઈનોક્સ થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા વ્યકિતને કેન્ટીનમાંથી ફૂગવાળી ગાલક બ્રેડ આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. સંચાલકોએ રોકડ આપી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.

નડિયાદ સ્થિત આઈનોક્સ થિયેટરમાં જયદીપભાઈ પટેલ પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતા. મનોરંજન દરમિયાન તેમણે કેન્ટીનમાંથી ગાલક બ્રેડનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ પીરસવામાં આવેલી બ્રેડ પર ફૂગ જોવા મળતા તેઓ ચોંકી ઉઠયા હતા. આ ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવતા સ્ટાફ દ્વારા 'ભૂલથી આવી ગઈ હશે' તેવો બચાવ કરવામાં આવ્યો હતો.

ગ્રાહકનો આક્ષેપ છે કે, મામલો થાળે પાડવા થિયેટર સંચાલકોએ તેમને ફ્રી પિઝા ખાવાની અને બ્રેડના વળતર પેટે ૨૦૦ રૂપિયા રોકડા લેવાની ઓફર કરી હતી. જોકે, જયદીપભાઈએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે, જો આ બ્રેડ કોઈ બાળકે ખાધી હોત અને તેની તબિયત લથડી હોત તો જવાબદાર કોણ? ગ્રાહકે હવે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લેખિત ફરિયાદ કરવાની મક્કમતા દર્શાવી છે.

સ્ટાફથી ફૂડ વાડી બ્રેડ નજર અંદાર થઇ ગઇ હશે એટલુ આવું બન્યું છે : થિયેટરના મેનેજર

આ બાબતે આઇનોક્સ થિયેટરના મેનેજરે જણાવ્યું હતું કે આવી ઘટના કોઈ વાર બની નથી આ પેહલી વાર થયું છે. બ્રેડની તારીખ પણ ચાલુ જ હતી. સ્ટાફથી ફૂગ વાડી બ્રેડ નજરઅંદાજ થઈ ગઈ હશે એટલે આવું બન્યું છે.