Gujarat

સિહોરમાં પીજીવીસીએલના ધાંધિયાથી ગ્રાહકો ત્રસ્ત, કલાકો સુધી લાઈટ ડૂલ

By GS TEAM
17 Jun 20251 min read
સિહોરમાં પીજીવીસીએલના ધાંધિયાથી ગ્રાહકો ત્રસ્ત, કલાકો સુધી લાઈટ ડૂલ

- પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થયાનો રોષ

- 24 કલાકમાં 5 થી 6 વખત લાઈટ ડૂલ થતી હોવાનો કાયમી કકળાટ, ફરિયાદ કોઈ સાંભળતું નથી

સિહોર : સિહોરમાં પીજીવીસીએલના ધાંધિયાથી ગ્રાહકો ત્રસ્ત બની ગયા છે. સિઝનનો હજુ પ્રથમ વરસાદ વરસ્યો છે, ત્યાં પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ હોય તેમ કલાકો સુધી લાઈટ ડૂલ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સિહોરમાં છેલ્લા ઘણાં સમયથી પીજીવીસીએલના ધાંધિયા રહે છે. ૨૪ કલાક દમિયાન પાંચથી છ વખત લાઈટ ડૂલ ન થાય તેવો એક પણ દિવસ રહેતો નથી. ગ્રાહકો દ્વારા ફરિયાદ માટે ફોન કરવામાં આવે તો ફોન વ્યસ્ત હોવાની કેસેટ વાગ્યા કરે છે. જો ફોનની ઘંટડી વાગે તો ફરજપરના કર્મચારી દ્વારા ફોન ઉપાડવાની તસ્દી લેવામાં આવતી નથી. જેના કારણે ગ્રાહકોને બે-બે કિલોમીટર દૂર રૂબરૂ ધરમના ધક્કા થાવા જવા પડે છે. દર શુક્રવારે અઠવાડિક કાપ ઉપરાંત અર્ધો અડધ સિહોરમાં કાયમી વીજ પ્રવાહ ખોરવાઈ જવાની સમસ્યા હોય, ૯૦ હજારની વસતીને પીજીવીસીએલ તંત્ર બાનમાં લઈ રહ્યું છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા કાયમી હોય, ફરજમાં બેદરકારી દાખવતા અધિકારી-કર્મચારી સામે તપાસ કરી પગલા ભરવામાં આવે તેવી સિહોરની જનતાની માંગ ઉઠી છે.