Get The App

Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશાન

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશાન 1 - image

image : File photo

Vadodara : વડોદરા શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. ના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદ્યા બાદ ગ્રાહકોને પોતાના વાહનોની સર્વિસ સુવિધાઓ જ મળતી નથી જેના કારણે ગ્રાહકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક શો રૂમમાં 15 દિવસના ઓનલાઇન સર્વિસ ફૂલ બતાવે છે. બીજી તરફ ઘણા શો રૂમ બંધ જોવા મળે છે. ઓલા ઇલેક્ટ્રિક શો રૂમમાં ટુ વ્હીલર ખરીદવા જતાં ગ્રાહકોને સુવિધાઓની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે.

શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક વાહનોના શો રૂમ આવેલા છે. અહીંથી લોકો ઇલેક્ટ્રિક દ્વી ચક્રી વાહનોની ખરીદી કરે છે. વાહન લેવા માટે જ્યારે ગ્રાહકો જાય છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક શો રૂમવાળા તેઓને વાહન સર્વિસ સહિતની સુવિધાઓના મોટા મોટા દિવાસ્વપ્ન બતાવે છે. પરંતુ જ્યારે એકવાર ગ્રાહક ત્યાંથી ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદી લે પછી તે ગ્રાહકને પોતાના ઇલેક્ટ્રિક વાહનની સર્વિસ કરાવવી હોય તો નાકે દમ આવી જાય છે. ઓલા ઇલેક્ટ્રિક શો રૂમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવતી ઓનલાઇન સુવિધાઓમાં ધાંધિયા જોવા મળે છે. કારણ કે ઓનલાઇન સર્વિસ નોંધણી જ બુક ન થવાથી ગ્રાહકને પોતાનું વાહન ઘરના પાર્કિગમાં જ મૂકી દેવાનો વારો આવી રહ્યો છે. આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં શહેરના દરાપુરા ખાતે આવેલા કાછિયાવાડ પરનામી મંદિર નજીક રહેતા જયેશભાઇ ગાંધી એ શહેરના અટલાદરા,જૂના પાદરા રોડ ખાતેના ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. નામના શો રૂમ ખાતેથી તા.21-06-2025 ના રોજ રથયાત્રાના દિવસે ઓલા કંપનીનું OLAS1X 4KWH રેડ વેલોસીટી ટુ વ્હીલર S1pro ખરીધ્યું હતું. તે સમયે જયેશભાઇએ ત્યાં હાજર કર્મીઓને મૌખિક વાતચીત કરી પૂછ્યું હતું કે ઓલાની સર્વિસ કેવી છે ત્યારે તે દરમિયાન હાજર અધિકારીએ જવાબ આપ્યો હતો કે, કોઇ પ્રોબ્લેમ નથી અને કોઇ પણ પ્રશ્ન હોય તો અમે છીએને આપની સેવામાં તેમ જવાબ આપ્યો હતો. બે લોકોની બેઠક ક્ષમતા સાથેના આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની સર્વિસ કરાવવાની હોય છેલ્લા દસ દિવસથી જયેશભાઇ ગાંધી દ્વારા ઓનલાઇન સર્વિસ નોંધણી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઇન સર્વિસ બુક થતી નથી. આ બાબતે જ્યારે જયેશભાઇ ગાંધીએ ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રા.લી. સમન્વય સ્ટેટસ,ભાયલી અટલાદરા રોડ સ્થિત શો રૂમમાં જઇ આ અંગેની વાત કરતાં ત્યાં હાજર ફરજ પરના અધિકારી, કર્મીઓએ જવાબ આપ્યો હતો કે સેલ્સ અને સર્વિસ વિભાગ અલગ છે. આમ ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી તરફ થોડા જ દિવસોમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના લાઇનર જામ થઇ ગયા છે. જેથી ગાડી ઘરે પાર્ક કરી મૂકી દેવાનો વારો આવ્યો છે. ઓલા શો રૂમના લોકો જવાબદારી લેવા તૈયાર નથી "આવતા અઠવાડિયે આવો કરી આપીશું" પરંતુ કોઇ ચોક્કસ તારીખ,સમય આપતાં નથી અને હવે ઓનલાઇન સર્વિસ નોંધણી કરાવવા જણાવતા શહેરના અલગ અલગ સર્વિસ સ્ટેશને નોધણીનો પ્રયાસ કરતાં દરેક સર્વિસ સ્ટેશન ફુલ બતાવતા આખરે જયેશભાઇ ગાંધીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે.

Tags :