Gujarat

ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

By GS TEAM
26 Jul 20252 mins read
ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

- પોલીસ અને પાલિકાની નિષ્ક્રિયતાથી દબાણોનો રાફડો ફાટયો

- રાજકીય પીઠ્ઠુઓ-માથાભારે તત્વોની હુંફ મળતા દબાણકારોની હિંમત વધી, કડક કાર્યવાહી કરાવ લોક માંગણી ઉઠી

ધોળકા : ધોળકા શહેરની વિવિધ બજારોમાં પોલીસ અને પાલિકાની નિષ્ક્રિયતાથી લારીધારકોના દબાણનો રાફડો ફાટયો છે. લારીઓના દબાણથી ખરી કરવા આવતા ગ્રાહકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકીય પીઠ્ઠુઓ-માથાભારે તત્વોની હુંફ મળતા દબાણકારોની હિંમત વધી છે. રસ્તા પર ગેરયાદે અડીંગો જમાવનાર લારીધારકો સામે કડક કાર્યવાહી કરાવ લોક માંગણી ઉઠી છે.

ધોળકાના હાર્દસમા ગણાતા અને વેપાર ધંધા માટે જાણીતો અલકા રોડ, રાધનપુરી વાડ, લકી બજાર, જામ પીઠ, મહાજાનના ડહેલા વિસ્તાર, ચોક્સી બજાર, રહેમાની કોમ્પ્લેક્સ સહિત વિવિધ કોમ્પ્લેક્સ અને જુનો શાક માર્કેટ વિસ્તારમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી વેપાર ધંધાથી ધમધમતા રહે છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો વિવિધ ખરીદી અર્થે આવતા હોય છે. ત્યારે સવારથી જ મોડી સાંજ સુધી બજારમાં લારીઓના દબાણથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

શહેરના વિવિધ બજાર વિસ્તારોમાં ચાલીને પણ જઇ શકાય નહીં તેવી પરિસ્થિતિ ક્યારેક હઠિલા લારીઓવાળા કરી નાખે છે. લારીધારકોનું સૌથી વધારે અને કાયમી દબાણ લકી બજારમાં જોળા મળે છે. આ વિસ્તારમાં લારીધારકોની દાદાગીરી એટલી વધી ગઇ છે કે પાલિકા તંત્ર અને ધોળકા ટ્રાફિક વિભાગ તથા ધોળકા પોલીસ તંત્ર ઊંચા અવાજે બોલવાની હિંમત કરતા નથી. અમુક રાજકીય પીઠ્ઠુઓ અને અમુક માથાભારે તત્વોનો આ દબાણ કર્તાઓને હુંફ મળી જતા કોઇનાથી કશું બોલી શકાતું નથી. 

જેથી શહેરના આ બજાર વિસ્તારોના જાહેર માર્ગો પોલીસ તંત્ર, પાલિકા તંત્ર ખુલ્લા કરાવે તે અત્યંત જરૂરી જણાઇ રહ્યું છે. માથાભારે ગણાતા આ લારીવાળાઓના વધતા જતાં દબાણોથી નાગરિકો ત્રસ્ત થઇ ઉઠયાં છે. ક્યારેક લારીધારકોના ગુસ્સાનો ભોગ રાહદારી અને વાહન ચાલકો બને છે. આથી ધોળકા પોલીસ તંત્ર આ દબાકર્તા લારીધારકો સામે કડક કાર્યવાહી કરે તેવી પ્રચંડ લોક માંગણી ઉઠી છે.