Get The App

વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા 1 - image

Vadodara : છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ નેટવર્કમાં વારંવાર ખામી જોવા મળી રહી છે. અગાઉ 2-જી સેવાના બદલે 3-જી નેટવર્ક શરૂ થતા સમયાંતરે 4-જી ને બદલે 5-જી નેટવર્કથી ખૂબ રાહત થઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી 5-જી નેટવર્કના ધાંધિયા થવા માંડ્યા છે. જેમાં ક્યારેક અચાનક કોલ ડ્રોપ થવા, તો ક્યારેક ઇન્ટરનેટ સ્પીડ ખૂબ જ ધીમી થઈ જવાની સમસ્યાઓને કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી છે. આજના સમયમાં નેટવર્ક આધારિત વ્યવસ્થાઓ પર મોટાભાગનું કામકાજ નિર્ભર હોવાથી આ ખામી લોકો માટે ગંભીર હેરાનગતિનું કારણ બની છે.

સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ ખાસ કરીને મુશ્કેલ બની છે. ઓનલાઈન અભ્યાસ, હોમવર્ક અપલોડ, ડિજિટલ ક્લાસ અને પરીક્ષાની તૈયારી માટે ઇન્ટરનેટ અનિવાર્ય બની ગયું છે. નેટવર્ક બંધ કે નબળું હોવાના કારણે બાળકો સમયસર અભ્યાસ સામગ્રી મેળવી શકતા નથી, જેના કારણે શૈક્ષણિક નુકસાન થવાની ચિંતા વાલીઓમાં વધી છે.

ઓફિસ કર્મચારીઓ માટે પણ નેટવર્કની ખલેલ માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મિટિંગ, ઈ-મેલ અને ક્લાઉડ આધારિત ફાઇલ શેરિંગ જેવી કામગીરી સતત ખોરવાઈ રહી છે. પરિણામે સમયસર કામ પૂર્ણ ન થવું, ઉત્પાદનક્ષમતા ઘટવી અને કર્મચારીઓ પર માનસિક દબાણ વધવું જેવી સ્થિતિ ઊભી થઈ છે.

બેન્કિંગ ક્ષેત્રમાં નેટવર્કની સમસ્યાએ ગ્રાહકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, યુપીઆઈ પેમેન્ટ, એટીએમ સેવા અને કોર બેન્કિંગ સિસ્ટમ પર અસર પડતાં નાણાકીય લેવડદેવડ પણ મંદ થઈ છે. જ્યારે બીજી બાજુ સર્વર ધીમા થતા ઘણા સ્થળોએ બેન્ક શાખાઓમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે લોકોનો સમય બગડી રહ્યો છે. પાલિકા તંત્ર સહિત અન્ય સરકારી વિભાગોમાં પણ નેટવર્ક આધારિત સેવાઓ ખોરવાઈ છે. જન્મ-મરણ દાખલા, ટેક્સ ભરપાઈ, ફરિયાદ નોંધણી જેવી ઓનલાઈન પ્રક્રિયાઓ ધીમી પડતાં નાગરિકો લાઈનમાં ઊભા રહીને કંટાળી છે. કુલ મળીને, નેટવર્કની સતત ખામીના કારણે શિક્ષણ, રોજગાર, નાણાંકીય વ્યવહાર અને સરકારી સેવાઓ તમામ ક્ષેત્રોમાં અસ્તવ્યસ્તતા સર્જાઈ છે. સંબંધિત સેવા આપનારી કંપનીઓએ તાત્કાલિક પગલાં લઈ નેટવર્ક સુધારવાની જરૂર છે.