Get The App

કસ્ટોડીયલ ડેથ કેસઃ પીઆઈ ખિલેરીએ અન્ય ગુનામાં આગોતરા જામીન અરજી પરત ખેંચી

ખટોદરા પોલીસના આરોપી કર્મચારીઓને પોલીસમથકમાં ભાગવામાં મદદ કરવા અંગે વધુ એક ગુનો નોંધાયો હતો

Updated: Nov 22nd, 2019

GS TEAM

Google News
Google News

 સુરત,તા.22 નવેમ્બર,2019 શુક્રવાર

ઓમપ્રકાશ પાંડે કસ્ટોડીયલ ડેથ કેસમાં હાઈકોર્ટના શરતી જામીન પર મુકત થયેલા આરોપી ખટોદરા પીઆઈ મોહન ખિલેરી વિરુધ્ધ નોંધાયેલા વધુ એક ગુનામાં પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને વીથ ડ્રો કરી લીધી છે.

ખટોદરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના શકમંદ ઓમ પ્રકાશ પાંડે તથા તેના બે ભાઈઓને પોલીસ મથકમાં ગેરકાયદે અટકાયત કરી ખટોદરા પોલીસે માર મારતા ઓમપ્રકાશ પાંડેનું પોલીસ કસ્ટડીમાં જ મોત નિપજ્યું હતુ.જેથી ઓમ પ્રકાશ પાંડે કસ્ટોડીયલ ડેથ કેસમાં આરોપી પીઆઈ મોહન ખિલેરી, પોસઈ ચિરાગ ચૌધરી,કેશિયર કુલદિપસિંહ સોલંકી સહિત આઠ જેટલા પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી પીઆઈ મોહન ખિલેરીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને સુરત સેશન્સ કોર્ટે નકારી કાઢતાં હાઈકોર્ટમાં ધા નાખી હતી.જેને હાઈકોર્ટે શરતી મંજુરી આપી આરોપી પીઆઈને આગોતરા જામીનની સવલત આપી હતી.

પરંતુ કસ્ટોડીયલ ડેથ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસ મથકમાંથી ભાગી જવા માટે મદદગારી કરવા અંગે ઈપીકો-224નો ગુનો આરોપી ખિલેરી વિરુધ્ધ નોંધાયો હતો.જેથી આ ગુનામાં પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી પીઆઈએ આગોતરા જામીન માટે માંગ કરી હતી.પરંતુ સુનાવણી હાથ ધરાય તે પહેલાં આરોપી ખિલેરીએ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વગર આજે આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી હોવાની વિગતો સાંપડી છે.