ખાનગી ડેરીઓએ પણ દૂધ મોંઘું કર્યું : દહીં, છાશ, શ્રીખંડ, મીઠાઈ મોંઘા થશે
માત્ર રાજકોટ ઉપર દૂધમાં જ રૂ।. 12 લાખનો ગુજરાતમાં આશરે 7 કરોડનો બોજ વધાર્યો : રાજકોટની 500 ડેરીઓએ દૂધમાં લિટરે રૂ।. 2નો વધારો કર્યોઃ દહીંમાં રૂ।. 5 અને મીઠાઈ-શ્રીખંડમાં રૂ।. 20નો તોળાતો વધારો
રાજકોટ, : અમૂલ ડેરીએ ગઈકાલે દૂધમાં પ્રતિ લિટર રૂ।. 2નો ભાવ વધારો કર્યા બાદ ખાનગી ડેરીઓએ પણ દૂધમાં આ ભાવ વધારો લાગુ કર્યો છે. દૂધ એ મૂળભૂત બાબત હોય તેના ભાવ વધતા અન્ય ચીજોના ભાવવધારાનું વિષચક્ર પણ શરૂ થાય છે અને દૂધ પછી હવે ટૂંક સમયમાં જ હાલ ધોમધખતા ઉનાળામાં જેની માંગ વિશેષ રહે છે તે શ્રીખંડ,મિઠાઈ,દહીં, માખણ, છાશના ભાવમાં વધારો થશે.
રાજકોટ ડેરી એસોસીએશનના સૂત્રો અનુસાર શહેરમાં આશરે 500 જેટલી ડેરીઓ છે અને રાજકોટ ડેરીના દૈનિક 3.50 લાખ લિટર ઉપરાંત ખાનગી ડેરીઓના મળીને 6 લાખ લિટરથી વધુ દૂધનું સરેરાશ વેચાણ થતું હોય છે. આજથી ખાનગી ડેરીઓએ દૂધમાં પ્રતિ લિટર રૂ।. 2નો વધારો કર્યો છે અને તા. 5ના મળનારી બેઠકમાં પ્રતિ કિલો દહીંમાં રૂ।.5નો અને મિઠાઈ, શ્રીખંડમાં કિલોએ રૂ।.20 જેટલો વધારો થઈ શકે છ.ે વર્ષ પહેલા પણ જ્યારે અમૂલ ડેરીના ભાવ વધ્યા ત્યારે મિઠાઈ, દહીં, છાશ વગેરેના ભાવ વધ્યા હતા, કારણ કે તેની પડતર કિંમત ઉંચી જતી હોય છે. આમ, દૂધનો ભાવ પ્રતિ લિટરે માત્ર બે રૂપિયા વધાર્યાનું કહેવાય છે પરંતુ, દૂધ એ લોકોની દૈનિક જરૂરિયાત છે અને માત્ર રાજકોટ શહેરમાં જ આ ૨ રૂપિયાનો વધારો કૂલ ૧૨ લાખ રૂ।.નો થશે. જ્યારે ગુજરાતમાં અમુલ ડેરી ૩ કરોડ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે અને માત્ર તેનું વેચાણ જોઈએ તો પણ ગુજરાત પર ૬થી ૭ કરોડ વધુ ચૂકવવા પડશે અને આ ઉપરાંત મિઠાઈ,દહીં,છાશ,શ્રીખંડ વગેરેમાં લોકોએ વધારાના કરોડો ચૂકવવા પડશે.