કપડવંજમાં ટ્રેલરની અડફેટે રાહદારીના મોત બાદ રોડ પર બેસી ટોળાનો ચક્કાજામ
- ડાકોર રોડ નવદીપ સોસાયટી બહાર રાતની ઘટના
- પાલિકાની બેદરકારીના કારણે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટના કારણે અકસ્માતમાં શિક્ષકનો ભોગ લેવાયાનો આક્ષેપ
કપડવંજ ડાકોર રોડ પર નવદીપ સોસાયટીમાં રહેતા વિશાલ પરમારના શિક્ષક પિતા મહેશભાઈ કાન્તિલાલ પરમાર જમીને રાતે ૧૦ વાગ્યે સોસાયટીની બહાર રોડ પાસે આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે રોડ પર પાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટમાં પૂરઝડપે ટ્રેલરે ટક્કર મારતા મહેશભાઈ પરમારનું ઘટના સ્થલે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટના બનતા મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પાલિકાની બેદરકારીના કારણે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અકસ્માત સર્જાતા શિક્ષકનું મોત થયાના આક્ષેપ સાથે ટોળાએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોના ટોળાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પાલિકાની બેદરકારીના કારણે વ્યક્તિનો ભોગ લેવાયો છે. રોડ પર વિદ્યાર્થીઓ, વૃદ્ધો રોજ પસાર થાય છે. ત્યારે સંખ્યાબંધ વાહનોની અવર-જવર હોવા છતાં અંધારપટને લીધે અકસ્માતની ઘટના બની છે તો જવાબદાર કોણ? સત્તાના નશામાં પાલિકાના સત્તાધીશો નાગરિકોની સમસ્યા હલ કરવા કે સાંભળવા પણ તૈયાર નથી. ચીફ ઓફિસર એસી ચેમ્બરમાં મળતિયાઓ સાથે બેસીને ચા- નાસ્તાની જયાફત ઉડાડી મિટિંગોમાં વ્યસ્ત હોય છે.
જ્યારે નાગરિકો સ્ટ્રીટ લાઈટ, દૂષિત પાણી, દબાણો, બિસ્માર રોડ સહિતની સમસ્યાઓથી હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. છતાં સત્તાધીશોનું પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે ત્વરિત પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી.