Get The App

દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી 1 - image

નવા વર્ષના સૂર્યોદય પૂર્વે ગોમતીસ્નાન  માટે ભાવિકો ઉમટી પડયા : નવા વર્ષના સૂર્યોદયને ભાવિકોએ ગોમતી નદીનાં જળથી અર્ઘ્ય આપી વધાવ્યો, જગતમંદિરમાં અલૌકિક શણગાર થયો

દ્વારકા, : નવાવર્ષના પ્રારંભે ઠાકોરજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવા દ્વારકાના જગતમંદિરમાં માનવમહેરામણ ઉમટી પડયો હતો. દર્શન પૂર્વે બ્રહ્મમુહૂર્તમાં ભાવિકો ગોમતીનદીએ પહોંચી સ્નાન કર્યા બાદ સૂર્યોદયનુું પ્રથમ કિરણ દેખાતા જ નવા વર્ષના આદિત્યને વધાવવા માટે ભાવિકોએ ગોમતીનદીના જળથી અર્ઘ્ય આપી સૂર્યવંદના કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.

આજે વહેલી સવારથી જ ગોમતી તટે ભારે ચહલપહલ જોવા મળી હતી. લોકોએ સ્નાનવિધિ કરીને સૂર્યઅર્ઘ્ય આપી બાદમાં છપ્પન સીડી સ્વર્ગદ્વારેથી મંદિરમાં પ્રવેશી રાજાધીરાજ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષ નિમિતે સૌના સુખ સામર્થ્યની પ્રાર્થના કરી હતી. મંદિરમાં ઠોકોરજીને પુજારીઓએ લાડ લડાવી કેસરિયા વાઘા પરિધાન કરાવ્યા હતા. તેમજ સોના ચાંદીના આભુષણો સાથે અલૌકિક શણગાર કર્યો હતો. મંદિરમાં ખાસ કુંડલા મનોરથ યોજાયો હતો. સાથોસાથ મહાઆરતી થતાં ભાવિકોએ ઠાકોરજીના સ્મરણ સાથે ભાવવંદના કરી હતી. 

નૂતન વર્ષ નિમિતે દ્વારકામાં ભારે ભીડ જામી હતી. તમામ હોટલો અને ગેસ્ટહાઉસો પેક થઈ ગયા હતા. આ ઉપરાંત યાત્રિકોએ પંચકૂઈ, શિવરાજપુર બીચ, નાગેશ્વર, બેટદ્વારકા પહોંચી  નવા વર્ષ નિમિતે જુદા જુદા દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પંથકમાં હજુ 4 દિવસ સુધી યાત્રિકોની ચહલપહલ મોટા પ્રમાણમાં જોવા મળશે.