Gujarat

નડિયાદમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ત્રિરંગા સાથે ટોળાનો મનપા કચેરીએ હોબાળો

By GS TEAM
26 Jun 20252 mins read
નડિયાદમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ત્રિરંગા સાથે ટોળાનો મનપા કચેરીએ હોબાળો

મનપા ચોર છેના સૂત્રોચ્ચાર સાથે 150થી વધુના ટોળાનો બે ડેપ્યૂટી કમિશનરનો ઘેરાવો

વોર્ડ નં.-4,5 અને 6ના લઘુમતી વિસ્તારોમાં પીવાનું પાણી, ગટર લાઈન અને રોડ- રસ્તાના અભાવનો આક્ષેપ : ભારે સમજાવટ બાદ મામલો થાળે પડયો

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકામાં લઘુમતી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે આજે બપોરે ૧૫૦થી વધુ લોકોનું ટોળું ત્રિરંગા સાથે મહાનગરપાલિકા કચેરીમાં ધસી આવ્યું હતું. બે ડેપ્યુટી કમિશનરોનો કચેરીના પ્રવેશદ્વાર પાસે જ ઘેરાવ કરી આકરા સવાલોનો મારો ચલાવ્યો હતો. મહાનગરપાલિકા હાય હાય અને નડિયાદ મહાનગરપાલિકા ચોર છે જેવા સૂત્રોચ્ચારથી મનપા કચેરી ગુંજી ઉઠી હતી.

નડિયાદમાં વોર્ડ નં.-૪, ૫ અને ૬ના લઘુમતી વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ જેવી કે સ્વચ્છ પીવાનું પાણી, ગટર લાઇન અને યોગ્ય રોડ-રસ્તાનો અભાવ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ગટર અને પીવાના પાણીની લાઈનો ભળી જવાથી દૂષિત પાણી આવે છે. ઉપરાંત, ખરાબ રસ્તાઓ અને તેના પર ગટરના પાણી રેલાવાના કારણે ચાલતા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ અંગે વિરોધ કરવા બપોરે ૨ઃ૩૦ કલાકે ટોળું મનપા કચેરીએ પહોંચ્યું ત્યારે કચેરીમાં એક પણ જવાબદાર અધિકારીઓ હાજર નહોતા. રેલી સ્વરૂપે ત્રિરંગા સાથે પહોંચેલા લોકોએ પ્રથમ તો નગરપાલિકા વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ લોકો મનપાના પ્રવેશદ્વાર પર બેસી ગયા હતા. ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ આવતા, તેમનો ઘેરાવ કરી ટોળાએ આક્રમક રજૂઆતો કરી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેપ્યુટી કમિશનર તાકીદે વિસ્તારોમાં તમામ કામો કરવાની બાંહેધરી આપી ભારે સમજાવટ બાદ માંડ ટોળામાંથી બહાર નીકળી શક્યા હતા. થોડીવાર બાદ ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળ મનપા કચેરીએ પહોંચતા જ તેમનો પણ ઘેરાવ કરી ગંદકીથી માંડીને રોડના પ્રશ્નો અંગે ટોળાએ ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્થાનિકોએ સ્વચ્છ પીવાના પાણી, ગટર લાઇન અને રોડની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવવા બદલ તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

કમિશનર અમારા વિસ્તારોની મુલાકાત લીધા બાદ યોગ્ય નિર્ણય કરે : સ્થાનિકો

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી સંખ્યાબંધવાર લેખિત રજૂઆતો કરવા છતાં નડિયાદ પાલિકામાંથી કોર્પોરેશન થવા છતાં વોર્ડ નં.૪,૫ અને ૬માં કોઈ જ પ્રાથમિક સુવિધાને લગતા કાર્યો કર્યા નથી. રસ્તો, ગટર લાઈટ અને પાણીની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી નથી. ત્યારે કમિશનર અમારા વિસ્તારની મુલાકાત લો અને પછી જે પણ જરૂરિયાત છે, તે અંગે નિર્ણય લો. હાલમાં પણ નડિયાદ મરીડા રોડ, ખરાબ છે. આ વિસ્તારમાં તમામ જરૂરી કામ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચતા તમામ કામો શરૂ કરવા કમિશનરની બાંહેધરી

નાગરિકોના ઉગ્ર વિરોધ વચ્ચે, ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં રજૂઆત કરવા માટે આગેવાનો પહોંચ્યા હતા. ત્યારે ડેપ્યૂટી કમિશનરે પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને, તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં એક પછી એક તમામ કામો શરૂ કરવાની બાંહેધરી આપી હતી.