Gujarat

પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે...સુભાનપુરાના સ્ટોરમાં મારામારી

By GS TEAM
7 Aug 20251 min read
પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું  પાકિસ્તાનનો માણસ છે...સુભાનપુરાના સ્ટોરમાં મારામારી

વડોદરાઃ સુભાનપુરા વિસ્તારના બંસલ સ્ટોરમાં ગઇરાતે મારામારીનો  બનાવ બનતાં  બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવામાં આવી છે.જેમાં એક પક્ષે પાકિસ્તાનની મેચ જોવાના મુદ્દે તેના પર હુમલો થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

ગોત્રીના ધરમપુર ખાતે રહેતા અને ટી સેન્ટર ચલાવતા પ્રવિણસિંહ પઢિયારે પોલીસને કહ્યું છે કે,ગઇ રાતે હું  બંસલ સ્ટોર ખાતે મહેશભાઇ અગ્રવાલ પાસે સામાન ખરીદવા ગયો હતો ત્યારે તેમણે મને ભારત- પાકિસ્તાનની મેચ જુએ છે તેમ પૂછ્યું હતું.જેથી મેં હા પાડતાં તેમણે તું પાકિસ્તાનનો માણસ છે તેમ કહી માર માર્યો હતો.મારા કઝીન આવી જતાં તેમની સાથે પણ મારામારી કરી હતી.

સામે પક્ષે મહેશભાઇ અગ્રવાલ(પેરિસ નગર,દિવાળીપુરા)એ  કહ્યું છે કે,ગઇરાતે હું મારા ભત્રીજાઓ સાથે સ્ટોરમાં હતો ત્યારે સામાન લેવા આવેલા  પ્રવિણસિંહ પઢિયાર પાસે મારા ભત્રીજાએ ઊઘરાણી કરતાં તેણે ગાળો  ભાંડી હતી.બોલાચાલી થયા બાદ તેનું ઉપરાણું લઇ આવી ગયેલા ઉમેશ  પઢિયાર,પ્રિતેશ પઢિયાર અને બીજા ૧૦ થી ૧૫ જણાએ મને અને મારા ભત્રીજાઓને માર માર્યો હતો.જેથી પોલીસે બંને પક્ષે ગુનો નોંધ્યો છે.