Gujarat

સુરતમાં શિક્ષણ સમિતિને આચાર્ય પિરિયડ ન લેતા હોવાના પુરાવા સાથે ફરિયાદ કરનારા શિક્ષકો વિરુદ્ધ પણ ફરિયાદ થઈ

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
શિક્ષણ સમિતિએ તપાસ સોંપી છે પરંતુ તપાસ ને દબાવી દેવા માટે પ્રયાસ, શિક્ષકો સામેની અરજીની તપાસ નિરીક્ષકોને સોંપી દેવામાં આવી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં શિક્ષણ સમિતિને આચાર્ય પિરિયડ ન લેતા હોવાના પુરાવા સાથે ફરિયાદ કરનારા શિક્ષકો વિરુદ્ધ પણ ફરિયાદ થઈ

Surat : સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ડિંડોલી શાળાના આચાર્ય છેલ્લા છ વર્ષથી કોઈ પિરિયડ ન લેતા હોવાની ગંભીર ફરિયાદ થઈ છે. આ ફરિયાદ બાદ તપાસ સોંપવામાં આવી છે પરંતુ તપાસ શરુ થાય તે પહેલા ફરિયાદ કરનારા શિક્ષકો સામે પણ ક્રોસ ફરીયાદ કરી મામલો દબાવી દેવા પ્રયાસ થઈ રહ્યા છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 32 મરાઠી માધ્યમમાં ચાલે છે અને આ શાળાના આચાર્ય રાજ્ય સરકારના નિયમોની અવગણના કરીને છેલ્લા છ વર્ષથી વર્ગખંડમાં જતા નથી અને અન્ય બે શિક્ષકોને પણ ઓફિસમાં બેસાડી રાખે છે. આ ઉપરાંત જે સાથી શિક્ષક રાખ્યા છે તે પણ સરકારની મંજુરી વિનાના હોવાની ગંભીર ફરિયાદ શાળાના કેટલાક શિક્ષકોએ શાસનાધિકારીને કરી છે. આ ગંભીર ફરિયાદ બાદ શાસનાધિકારીએ તપાસ સોંપી છે પરંતુ તપાસ શરુ થાય તે પહેલાં જ ફરિયાદ કરનારા શિક્ષકો વિરુદ્ધ ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે. જેની તપાસ નિરીક્ષકોને સોંપવામાં આવી છે. આ ફરિયાદ આચાર્ય સામે ફરિયાદને દબાવવાનો પ્રયાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

જોકે, આ શાળામાં અગાઉ પણ ગેરવહીવટની ફરિયાદ આવી હતી અને નોટિસ પણ આપવામાં આવી હતી. હાલ જે ફરિયાદ થઈ છે તે ફરિયાદમાં સીસીટીવી ફુટેજની ચકાસણી કરીને આચાર્ય જવાબદાર હોય તો આચાર્ય સામે અને શિક્ષકો જવાબદાર હોય તો શિક્ષકો સામે પગલાં ભરવા માંગણી થઈ રહી છે. છેલ્લા છ વર્ષથી આચાર્ય ફરિયાદ લેતા નથી તો નિરીક્ષક અને સી.આર.સી.ની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો તેઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ થયા હોય તો તેની સામે પણ પગલાં ભરવા જોઈએ તેવી પણ માગ થઈ થઈ રહી છે. આચાર્ય અને શિક્ષકોની લડાઈમાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું હોવાથી તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવું જોઈએ તેવું ચર્ચાઈ રહ્યું છે.