માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો

4 મહિનાની મહેનત માથે પડી : નવા વાવેતરની હવે હિંમત નથી ખેડૂતોનું ચાલું વર્ષનું પાક ધિરાણ માફ કરી અતિવૃષ્ટિનું સહાય પેકેજ ત્વરીત જાહેર કરી મદદ કરવાની માંગ : સંખ્યાબંધ ખેડૂતો પાયમાલ
રાજકોટ, : દિવાળી બાદ પડેલાં કમોસમી વરસાદે સર્વત્ર કહેર વર્તાવ્યો છે. જેનાં પગલે સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં વાવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને પાકની લણણી સમયે પડેલા આ વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોવાથી ધરતીપુત્રો મુશ્કેલીમાં મૂકાયા છે. પહેલેથી જ આર્થિક સંકડામણ ભોગવી રહેલા ખેડૂતોની સ્થિતિ ધ્યનીય બની ગઇ હોવાથી સહાય આપવા માંગણી ઉઠી છે.
ગોંડલ તાલુકાના સુલતાનપુર, ધુળસિયા, દેવળા, દેરડી કુંભાજી, નાના સખપર, કેશવાળા, કમઢીયા, કેશવાળા, શિવરાજગઢ, નવાગામ, લીલાખા, ગોમટા, અમરનગર, સાથળી, મેઘપીપળીયા, સનાડી અને રાણસિકી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકો નષ્ટ પામ્યા છે. ઢોર માટે ચારો પણ ન બચતાં સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવા માંગણી ઊઠાવી છે.
ભાયાવદર તથા આસપાસના ગામડાઓમાં પણ આફતરૂપી વરસાદે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી જેવા પાકોનો સોથ વાળી દીધો હોઇ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.તમામ ખર્ચાઓ કરી હાથમાં કંઇ ન મળતા નવું શિયાળુ વાવેતર કરવાની આર્થિક સ્થિતિ ખેડૂતોની રહી નથી.

