વરસાદની આગાહી છતાં બેદરકારી, APMC-વેપારીઓ સાવચેત ના રહેતા પલળી ગયો તૈયાર પાક
Crop Damage Due to Gujarat Unseasonal Rain: ગુજરાતમાં અનેક જગ્યાએ આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. એવામાં વિરમગામ APMC માર્કેટમાં ડાંગર, એરંડા, ઘઉં અને કપાસ સહિતનો તૈયાર થયેલો પાક વરસાદમાં પલળીને બગડી ગયો છે. ત્યારે બીજી બાજું દાંતીવાડાના માર્કેટયાર્ડમાં પણ ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં મોટું નુકસાન થયું છે. એવામાં સવાલ ઊભો થાય છે કે, વરસાદની આગાહી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલાં કેમ ન લેવામાં આવ્યા? જો સત્તાધીશો દ્વારા પહેલાથી જ કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોત તો નુકસાન ન થયું હોત.
વિરમગામ APMCમાં ભારે નુકસાન
મળતી માહિતી મુજબ, વરસાદી ઝાપટાના કારણે વિરમગામ APMCમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના કારણે એક દિવસ અગાઉ ખરીદેલો બધો તૈયાર પાક પલળીને ખરાબ થઈ ગયો છે. 20 હજાર મણ ડાંગર અને 5 હજાર મણ અન્ય પાક પલળી ગયો છે. હવામાન વિભાગની આગાહી છતાં APMC દ્વારા ન તો માલને ગોડાઉનમાં મૂકવામાં આવ્યો ન તો તેને યોગ્ય રીતે ઢાંકી પલળે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે મોટું નુકસાન થયું છે.
દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં સત્તાધીશોની બેદરકારી
બીજી બાજું દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં પણ સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ પલળી ગયો છે. વરસાદની આગાહી છતાં ખુલ્લામાં જણસી મૂકવામાં આવી હતી. જેના કારણે એરંડા અને રાયડા સહિતનો પાક પલળી જતા મોટાભાગનો પાક નકામો નિવડ્યો છે.
ખેડૂતોને થયું ભારે નુકસાન
આ સિવાય કમોસમી વરસાદે કેટલાંય ખેડૂતોના મોઢે આવેલા કોળિયાને પાછો ખેચી લીધો છે. કરા સાથે વરસાદ થતાં બનાસકાંઠામાં શક્કરટેટીના પાકને ભારે નુકાસાન થયું છે. ખેડૂતોનો પાક બગડતાં 8 થી 10 લાખનું નુકસાન થયું છે. જેથી લઈને ખેડૂતોએ સરકાર પાસે સરવે કરી વળતર આપવાની માંગ કરી છે.
આ વિશે ખેડૂતે જણાવ્યું કે, પહેલાથી જ ઠંડી પડવાના કારણે અમને ઘણું નુકસાન થયું હતું, એવામાં હવે વરસાદે પોતાની વધેલી કસર પૂરી કરી નાંખી છે. કમોસમી વરસાદના કારણે 8થી 10 લાખ સુધીનું પાકને નુકસાન થયું છે. 18 વીઘામાં વાવેતર કરી 4 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો, તે બધો માથે પડ્યો છે. એવામાં હવે સરકાર સરવે કરાવી અમને સહાય આપે તેવી અમારી માંગ છે.