Get The App

વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ફરી મગરની દહેશત: પકડવાનો પ્રયાસ કર્યો તો કાર નીચે છુપાયો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ 1 - image

Crocodile in Vadadara: વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાના કારણે વડોદરાવાસીઓ માટે મગરોનું રહેણાંક વિસ્તારમાં આવી જવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે શહેરના હરણી-સમા લિંક રોડ ખાતે આવેલી પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં 4 ફૂટનો મગર આવી ચડતાં સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુઆર પંચામૃત રેસિડેન્સીમાં અચાનક પાર્કિંગ વિસ્તારમાં મગર દેખાતા રહીશોએ ભારે બૂમરાડ મચાવી દીધી હતી. અવાજ સાંભળીને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ગભરાયેલો મગર પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો નીચે સંતાવાનો પ્રયાસ કરતો હતો. મગર પહેલા એક ટૂ-વ્હીલર નીચે અને ત્યારબાદ એક કાર નીચે ઘૂસી ગયો હતો. 

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, મગર કાર નીચે સંતાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો.

જ્યારે ટીમે મગરના ગળામાં ગાળિયો નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે મગરે ભારે ઊછળકૂદ કરી હતી, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં થોડો સમય લાગ્યો હતો. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આખરે મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધો હતો. પકડાયેલા મગરને વડોદરા વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે જ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.