Ahmedabad News: ઓટો રિક્ષામાં મુસાફરોના માલસામાનની ચોરી અટકાવવા માટે પોલીસ સ્ટેશનોમાં ઓટો રિક્ષાની નોંધણી શરુ કરાઈ છે. પોલીસમાં રિક્ષાની નોંધણી કરાવી પણ ગુનાખોરી આચરવા માટે ગુનાઈત માનસિકતા ધરાવતા તત્ત્વોએ હવે પેંતરાબાજી શરુ કરી છે. ભાડે લઈને ફેરવવામાં આવતી ઓટો રિક્ષામાં સ્ટીકર લગાવી દેવાયા હોય તો ગુનો આચરવા ટેવાયેલા રિક્ષા ડ્રાઇવરો નંબરપ્લેટ બદલી નાંખતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી પકડી પાડતાં ઘટસ્ફોટ
સોલા પોલીસે સ્ટીકરવાળી ઓટો રિક્ષામાં મુસાફરનો સામાન લૂંટનાર ટોળકી પકડી પાડતાં આ ઘટસ્ફોટ થયો છે. ભાડે લેવાયેલી ઓટો રિક્ષાની નંબરપ્લેટ બદલી ગુનો આચરવામાં આવ્યો હતો પણ પોલીસનું સ્ટીકર હોવાથી ટોળકી પકડાઈ છે. આવનારા દિવસોમાં સ્ટીકર અને નંબર પ્લેટ મેચ કરવા તેમજ મુસાફરો સ્ટીકરવાળી રિક્ષામાં બેસે તે માટે ઝુંબેશ શરુ કરાશે. સોલા પોલીસ સ્ટેશનમાં દુકાનમાંથી ડ્રેસ મટીરિયલ્સની ચોરી કરવામાં આવી હતી. લેડીઝ ડ્રેસની ચોરી કરીને ઓટો રિક્ષામાં જતાં કુબેરનગરના વિનેશ નારુભાઈ મીણેકર, તેની પત્ની બબીતા, સુગના ગારંગે અને સાયના ભોગેકરને પકડી પાડવામાં આવ્યા હતા. આ ટોળકી ચોરી કરવા ઓટો રિક્ષામાં આવી હોવાનું સીસીટીવીની તપાસમાં જણાયું હતું.
તપાસ દરમિયાન ઓટો રિક્ષામાં ઍરપોર્ટ પોલીસ સ્ટેશનનું સ્ટીકર લગાવેલું હતું. ચોરીના ગુનામાં ઉપયોગ કરાયો હતો તે ઓટો રિક્ષા અંગે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં તેના માલિક સુધી પોલીસ પહોંચી હતી. આ રિક્ષા ભાડેથી ફેરવવા અપાઈ હોવાનું સ્પષ્ટ થતાં સોલા પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ઍરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટીકરના આધારે ઓટો રિક્ષા સાથે તેના ડ્રાઇવર મિનેશ અને ઉઠાવગીર ટોળકીની ત્રણ મહિલાને ચાંદલોડિયા ગરનાળા પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા. ગંભીર બાબત એ હતી કે, ગુનો કરવાના ઇરાદે નીકળ્યા પછી ઓટો રિક્ષાની ઓરીજિનલ નંબરપ્લેટ બદલી નાંખવામાં આવી હતી પણ પોલીસમાં નોંધણી કરાયેલું સ્ટીકર મળી આવતાં ગુનો ઉકેલાયો હતો. પોલીસમાં નોંધણી કરાયેલી ઓટો રિક્ષાની નંબર પ્લેટ બદલીને પણ ગુનો આચરવાનો પહેલો કિસ્સો સોલા પોલીસે પકડી પાડતાં ઉઠાવગીર ટોળકીને પર્દાફાશ થયો છે. સાથે જ, ભાડેથી રિક્ષા મેળવીને ગુનામાં ઉપયોગ થતો હોવાની બાબત પણ ખુલી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા
અમદાવાદમાં અંદાજે બે લાખ ઓટો રિક્ષામાં દરરોજ 10 લાખ લોકો મુસાફરી કરે છે. વસ્તુ ભૂલી જવાથી માંડીને ચોરી, ઊઠાંતરી અને લૂંટ સુધીના બનાવો બને છે તેમાં સ્ટીકરની પદ્ધતિથી અંકુશ આવશે તેવી પોલીસને આશા છે. સોલામાં નંબરપ્લેટ બદલી નાંખેલી રિક્ષામાં ગુનો આચરાયાની ઘટના પછી અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા મુસાફરોની સલામતી વધારવા માટે ડ્રાઇવ યોજવામાં આવનાર છે. હવેથી, ડ્રાઇવ દરમિયાન પોલીસમાં નોંધાયેલા સ્ટીકર અને ઓટો રિક્ષાની નંબર પ્લેટ સાથે માલિકના નામ મેચ કરવામાં આવશે. મતલબ કે, દરેક પોલીસ સ્ટેશનમાં થયેલી રિક્ષાની નોંધણી પોલીસ ઓનલાઇન જોઈ શકે તેવી વ્યવસ્થા કરાશે કે જેથી ગુના અટકાવી શકાય.
સાથે જ, મુસાફરોને પણ સલામતી માટે પોલીસ સ્ટેશનના સ્ટીકરવાળી ઓટો રિક્ષામાં જ બેસવા માટે ટેવ પડે તેવી જનજાગૃતિ કેળવવામાં આવશે. પોલીસ અધિકારઓ કહે છે કે, પ્રજા, પોલીસ અને ઓટો રિક્ષાચાલકો સંયુક્ત સહકાર દાખવીને સલામત અમદાવાદનો અહેસાસ અપાવે તે દિશામાં કાર્યવાહીનો ઘ્યેય છે.
15 દિવસમાં બે લાખને બદલે એક મહિનામાં માંડ 50,000 રિક્ષામાં જ સ્ટીકર લગાવાયા
અમદાવાદના રસ્તાઓ ઉપર દોડતી બે લાખ જેટલી ઓટો રિક્ષાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી મુસાફરો અને પ્રજાજનો જોઈ શકે તે પ્રકારે રિક્ષાની આગળ અને પાછળના ભાગે હૂડમાં સ્ટીકર લગાવવા પોલીસ કમિશ્નરે 15 દિવસનો સમય આપ્યો હતો. પોલીસ કમિશ્નરના આદેશનું પોલીસ સ્ટેશનોએ પાલન શરુ કર્યું છે તેને મહિનો થવા આવ્યો છે પણ અંદાજે 50,000 ઓટો રિક્ષામાં જ સ્ટીકર લગાવી શકાયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં બે લાખ ઓટો રિક્ષાઓ દોડે છે તેમાંથી અડધી ભાડે ફેરવવા માટે આપવામાં આવે છે. આવી ઓટો રિક્ષાના માલિકો સ્ટીકર લગાવવા બાબતે જાગૃતિ દાખવતા નથી. આવનારા દિવસોમાં સ્ટીકર વગરની ઓટો રિક્ષા સામે કડક ઝુંબેશ શરુ કરવામાં આવશે.


