Get The App

ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો 1 - image

બેન્કના મહિલા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર આરોપી : બંને આરોપીઓ પાસે સ્ટ્રોંગ રૂમનાં લોકરની ચાવી રહેતી હોવાથી જવાબદારી ફિક્સ કરી ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ, : ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. 10માં આવેલી ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી ગોલ્ડ લોન પેટે આવેલા રૂા. 64.29  લાખની કિંમતના સોનાના દાગીનાના બે પેકેટ ભેદી રીતે ગાયબ થઇ જવાના કેસમાં આખરે આજે એ ડિવિઝન પોલીસે બેન્કના આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર શ્રૂતિ દિવાકર શખારે (રહે. લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, મનહર પ્લોટ શેરી નં. 11/15ના ખૂણે) અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ નારાયણ ઇલાયથ (રહે. નિર્માણ એપાર્ટમેન્ટ, મુંબઇ) વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. 

જો કે પોલીસે સ્પષ્ટ કર્યું કે બજાર કિંમત મુજબ આશરે એકાદ કિલોના આ દાગીનાની કિમત હાલ રૂા. 1 કરોડ આસપાસ છે. મોટામવામાં કોઝીકોર્ટ યાર્ડમાં રહેતા ઘનશ્યામભાઈ ઝા હાલ 150 ફૂટ રિંગ રોડ પર ઇન્ડિયન બેન્કમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત માર્ચ મહિનામાં મુંબઇથી ઇન્સ્પેકશન આવ્યું હતું ત્યારે સોનાના દાગીનાના 47 પાઉચમાંથી 2 પાઉચ ગાયબ હતાં. જેથી આ અંગે બેન્ક મેનેજર ગૌરીશંકર સામંતરાયએ તપાસ કરી હતી. પરંતુ બંને પાઉચ નહીં મળતા મુંબઇ ખાતેની હેડ ઓફિસને જાણ કરી હતી.

જે બે પાઉચ ગુમ થયા હતા તે સંગીતાબેન શ્યામભાઈ શાહ, શ્યામભાઈ મધુભાઇ શાહના હતા. બંને આરોપીઓ પાસે સ્ટ્રોંગ રૂમની ચાવી રહેતી હતી. બંને આરોપીઓ પાસેની ચાવીથી જ લોક ખૂલે છે. બંને આરોપીઓમાંથી એક આરોપી રજા પર હોય ત્યારે તેની ચાવી બીજા જવાબદાર અધિકારી પાસે રહે છે. આ રીતે સ્ટ્રોંગ રૂમની અંદર રહેલા કેશ સેઇફમાં પડેલા ગોલ્ડ લોકરની ચાવી બંને આરોપીઓ પાસે રહેતી હોવાથી તેમની મુખ્ય જવાબદારી હતી. 

આ સ્થિતિમાં બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે તેમની ચાવી કોઇએ લીધી હશે, જેની તેમને જાણ નથી. ત્યાર પછી આરોપી શ્રૂતિબેન ગઇ તા. 31-1-2025 થી તા. 16-2-2025  સુધી રજા પર ઉતરી ગયા હતા. ત્યારે તેનો ચાર્જ અને ચાવી આરોપી વિષ્ણુભાઈ પાસે હતો. આ રીતે બંને આરોપીઓની જવાબદારી ફિક્સ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

આ પહેલા એ ડીવીઝન પોલીસ જાણવાજોગ નોંધના આધારે તપાસ કરતી હતી પરંતુ બંને પાઉચની કોણે ચોરી કરી તે વિશે કોઇ ઠોસ માહિતી મળી ન હતી. આખરે પોલીસે બંને આરોપીઓ ઉપરાંત બેન્કના સંબંધિત પાંચેક અધિકારીઓ મળી કુલ સાતના ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું, જે થાય તે પહેલાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે એફએસએલમાં રાબેતા મુજબ જરૂરી ટેસ્ટ કરાવાશે.