Gujarat

વડોદરામાં વોર્ડ નંબર 4ની ઓફિસમાં જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરતાં ગુનો દાખલ

By GS TEAM
19 Jun 20251 min read
વડોદરામાં વોર્ડ નંબર 4ની ઓફિસમાં જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરતાં ગુનો દાખલ

Vadodara Bogus Birth Certificate : વડોદરા કોર્પોરેશન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીક જોષીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 17 તારીખે હું કોર્પોરેશનની મિટિંગમાં હાજર હતો. તે દરમિયાન હરણી વારસિયા રીંગ રોડ ધવલ ચાર રસ્તા પાસે સવાદ ક્વાર્ટર્સમાં આવેલ કોર્પોરેશનના વોર્ડ નંબર ચારના ઓપરેટર મનસ્વીબેને મને એક શંકાસ્પદ જન્મનું પ્રમાણપત્ર વોટ્સએપ પર મોકલી આપ્યું હતું. આ પ્રમાણપત્ર પર અધિકારની સહી તથા લોકો અને ક્યુઆર કોડ હતા. જે ક્યુઆર કોડ સ્કેન કરતા ગવર્મેન્ટની કોઈ વેબસાઈટ ખુલી ન હતી અને આ જન્મ પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું.

જેથી હું તરત ઓફિસે ગયો હતો જન્મના પ્રમાણપત્ર પર ગવર્મેન્ટ ઓફ ઉત્તર પ્રદેશ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ અને તેની નીચે નગર નિગમ આગરા લખ્યું હતું. આ જન્મનું પ્રમાણપત્ર લઈને આવનાર વજેસિંહ શિવરાજ સિંહ રાજપુત (રહે. જય અંબે નગર, રામદેવ નગર, આજવા રોડ) (મુળ રહે-આગ્રા, યુપી) ને પૂછતા તેને જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર મારી દીકરીનું છે. આ પ્રમાણપત્ર સરદાર એસ્ટેટ સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં આવેલી દુકાનમાંથી 650 રૂપિયામાં કરાવ્યું હતું. વારસિયા પોલીસે અંગે ગુનો દાખલ કરી દુકાનદારની તપાસ શરૂ કરી છે.