Vadodara Land Fraud : વડોદરામાં વડસર ગામના ભાલિયા વાસમાં રહેતા અજયભાઈ નાથુભાઈ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આ મારા પર અતિયાભાઈ ભાલીયાના ત્રણ સંતાનોની સહિયારી જમીન વડસર ગામમાં છે. મારા પિતા નાથુભાઈનું તારીખ 8-12-2024 ના રોજ મરણ થતાં મેં મારું તથા મારા ભાઈઓ સંજય અક્ષય તથા માતા પ્રેમીલાબેનનું નામ સહિયારી જમીન તથા અમારી તલસટ ગામની જગ્યામાં નામ દાખલ કરવા માટે માંજલપુર મામલતદાર ઓફિસમાં અરજી આપી હતી. જેથી તલસટ વાળી જમીનમાં અમારા નામ દાખલ થઈ ગયા હતા પરંતુ વડસરની જમીનમાં અમારા નામ દાખલ થયા ન હતા.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અમારી જમીનમાં તારીખ 22-1-2008 થી દસ્તાવેજની નોંધણી થઈ છે. જમીન લેનાર તરીકે ઈબ્રાહીમ રહેમાન ભાઈ સોદાગર (રહે નાગરવાડા) તથા મુઝફ્ફરહુસેન અબ્બાસ અલી સૈયદ (રહે.બહાર કોલોની આજવા રોડ) ને 27.50 લાખ રૂપિયામાં વેચાણ આપી હતી. જેમાં વેચાણ આપનાર તરીકે (1) લાલાભાઇ ભાલીયા (2) ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા સહિત 26 લોકોના ફોટા તેમજ સહી હતા. મારા પિતા નાથુભાઈ રામજીભાઈ ભાલીયાના નામના બદલે દસ્તાવેજમાં નાથાભાઈ લખમણભાઇ ભાલીયા તથા મારા ફોઈ સોનાબેન રામજીભાઈ ભાલીયાના બદલે સોનાબેન લક્ષ્મણભાઈ ભાલીયા લખ્યું હતું તે ઉપરાંત નાથાભાઈ લક્ષ્મણભાઈ ભાલીયાનો ફોટોની જગ્યાએ કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિનો ફોટો ચોંટાડી સહીઓ કરી હતી. મારી પિતરાઈ બહેન ધનીબેન ચતુરભાઈ ભાલીયાની જગ્યાએ ગીતાબેન ઉર્ફે ચીકુ મારવાડીએ પોતે ધનીબેન હોવાની ઓળખ આપી હતી. રામીબેન ભાલીયાની જગ્યાએ સીતાબેન દિનેશભાઈ ભાલીયા પોતાની ઓળખાણ રામીબેન તરીકે આપી ફોટો ચોંટાડ્યો હતો.
આ લોકોએ ભેગા થઈ કાવતરું સાથે દસ્તાવેજો બનાવી અમારો હક્ક ડુબાડી વિશ્વાસઘાત છેતરપિંડી કરી છે. આ અંગે પોલીસે (1) મૈયત લાલાભાઇ અતિયાભાઈ ભાલીયા (રહે-ભાલીયા વાસ, વડસર) (2) ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા (રહે-લવકુશ સોસાયટી, વડસર) (2) નાથાભાઈ રામજીભાઈ ભાલીયાના નામે ખોટી ઓળખ આપનાર (4) સીતાબેન દિનેશભાઈ ભાલીયા (રહે-કલાલી) (5) ગીતાબેન વિનોદભાઈ મારવાડી (રહે-પેટલાદ) ની સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


