ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
Bharuch Crime : ભરૂચના ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને બેરહેમી પૂર્વક માર મારવાના બનાવમાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે દિવસ અગાઉ ભૃગુઋષિ બ્રિજ નીચે સગીર યુવાનને ત્રણ શખ્સો માર મારી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. તપાસમાં ભરૂચના નંદેલાવ ગામ ખાતે રહેતા ગણેશભાઈ વસાવાના ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષના પુત્રને વિષ્ણુ ગોધા, મયુર સદાશિવ (બન્ને રહે-સોનતલાવડી, ભરૂચ) અને વિષ્ણુનો મિત્ર માર મારી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. વિદ્યાર્થીનું કહેવું હતું કે, વિષ્ણુની બહેન મારી સાથે અભ્યાસ કરતી હતી. અને અભ્યાસ બાબતે અમારી વચ્ચે વાતચીત થતી હતી. વિષ્ણુએ પ્રેમ સંબંધની આશંકાએ મને ભૃગુઋષિ બ્રિજ નીચે બોલાવી ત્રણેય ભેગા થઈ મને માર માર્યો હતો. વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.