વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે ટાંકીની સાફ સફાઇના કામના કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના માલિક તથા કર્મચારીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી અંગે પણ તપાસ કરવામાં આવશે.
માંજલપુર ગામ કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ મોહનસિંહ ઝાલાના મોત અંગે તેમના પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ મી તારીખે મારો અને મારી બહેનનો પરિવારબાળકો સાથે માંજલપુર દરબાર ચોકડી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે નાસ્તાની લારી પર જમવા માટે ગયા હતા. અમને ઉતારીને મારા પતિ ગાડી પાર્ક કરવા ગયા હતા. મારા પતિ ગાડી પાર્ક કરવા ગયા પછી ૧૦ મિનિટ સુધી તેઓ નહીં આવતા અમે મોબાઇલ કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. અમે આજુબાજુ તપાસ કરતા કોર્પોરેશનના પાણી વિભાગી ઓવર હેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના મુખ્ય ગેટ આગળ ગટરનું ઢાંકણુ ખુલ્લું હતું અને બાજુમાં પડેલું હતું. અમે મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરી જોતા મારા પતિના બૂટ પાણીમાં તરતા દેખાઇ આવતા અમે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. થોડીવારમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ આવી ગયો હતો તેમણે ૨૫ ફૂટ ઊંડી ગટરમાંથી મારા પતિને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. અમે તેઓને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેમનો જીવ બચ્યો નહતો. આ અંગે અમે તથા પાણી પુરવઠા પ્રોજેક્ટ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયરે પણ તપાસ માટે પોલીસમાં અરજી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરતા અન્ય આરોપીઓના નામો પણ ખૂલે તેવી શક્યતા છે.
ગાડી પાર્ક કરીને હાથ ઉંચો કરીને પત્નીને ઇશારો પણ કર્યો હતો
વડોદરા,
ગત ૨૫ મી તારીખે માધવીબાના બહેન દર્શનાબા ચુડાસમા તથા તેમના પતિ ( બંને રહે.કુબેરનગર, અમદાવાદ) તેમના ઘરે મળવા આવ્યા હતા. ૨૬ મી તારીખે રાત્રે આઠ વાગ્યે અમે જમવા ગયા હતા. મારા પતિ રોડની સામેની બાજુ ગાડી પાર્ક કરવા ગયા હતા.ગાડી પાર્ક કરીને તેમણે હાથ ઉંચો કરી પત્નીને ઇશારો પણ કર્યો હતો.
આ કામનું સુપરવિઝન કરનાર
કોર્પોરેશનના અધિકારીની માહિતી હજી કોર્પોરેશન પાસેથી મળી નથી
પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીની સ્પષ્ટ બેદરકારી બહાર આવી
વડોદરા,
આ ઘટના અંગે એ.સી.પી.પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, ગટરનું ઢાંકણુ ખુલ્લુ હોઇ જાહેર નાગરિક તેમાં પડે તો જીવ ગુમાવવો પડે. તેવી જાણકારી હોવા છતાંય બેરિકેડ કે સાઇન બોર્ડ યોગ્ય રીતે મૂક્યા નહતા.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીની સ્પષ્ટ બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ કામના સુપરવિઝન માટે કોર્પોરેશનના કયા અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. તે અંગે પોલીસે કોર્પોરેશન પાસે માગેલી માહિતી હજી આવી નથી.


