Gujarat

મહિને સાડા ચાર ટકા વ્યાજ વસૂલતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ

By GS TEAM
15 Jul 20252 mins read
મહિને સાડા ચાર ટકા વ્યાજ વસૂલતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ

 વડોદરા,મહિને સાડા ચાર ટકાનું વ્યાજ વસૂલતા ફાઇનાન્સર સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી છે. ફાઇનાન્સરે કોન્ટ્રાક્ટરનો કન્સટ્રક્શનનો સામાન પણ પડાવી લીધો હતો.

માણેજાની કૈલાસધામ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર રાજેશ મગનભાઇ સોલંકીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૯ માં મારે રૃપિયાની જરૃર ઉભી થતા મકરપુરા ડેપોની બાજુમાં રામબાગ સોસાયટી ખાતે ડાલસન ફાઇનાન્સની ઓફિસના માલિક મનોજ સજનાની સાથે મુલાકાત થઇ હતી. મનોજ સજનાનીએ મને ૩ ટકાના વ્યાજે રૃપિયા આપવાની વાત કરી  હતી. મારે ૪૦ હજાર લેવાના હોઇ તેમણે મને ત્રણ મહિનાનું વ્યાજ કાપીને ૩૬,૪૦૦ રૃપિયા રોકડા આપ્યા હતા. તેમજ  પ્રોમિસરી નોટ પર  મારી સહી કરાવી મારી પાસેથી ચેક લીધો હતો. મનોજ સજનાની પાસેથી લીધેલા રૃપિયાનું દર મહિને ૩ ટકા વ્યાજ અને દોઢ ટકો પેનલ્ટી હું ચૂકવતો હતો. ત્યારબાદ કોરોના મહામારીના કારણે હું મનોજને વ્યાજ ચૂકવી શક્યો નહતો. મેં ૪૦  હજારની સામે ૧.૧૭ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. તેમછતાંય મેં આપેલો ચેક રિટર્ન કરાવી મનોજ સજનાનીએ મારી  સામે કોર્ટમાં કેસ કર્યો છે. તેઓ અલગ - અલગ વ્યક્તિઓને મારી પાસે ઉઘરાણી માટે મોકલી માનસિક ત્રાસ આપતા હતા. મનોજ સજનાની વાર્ષિક ૧૨ ટકાના વ્યાજનું લાયસન્સ ધરાવે છે. તેમછતાંય માસિક સાડા ચાર ટકા વ્યાજ વસૂલે છે. મનોજ  સજનાનીની ઓફિસનું કન્સટ્રક્શનનું કામ મેં કર્યુ હતું. તેના ૩૪ હજાર  પણ  આપતા નથી. તેમજ કન્સટ્રક્શનનો સામાન પણ મને પરત નહીં આપી  ચેક બાઉન્સની ધમકી આપી હતી.