Gujarat

વડોદરામાં આધારકાર્ડ માટે બોગસ બર્થ સર્ટિફિકેટનું મોટું કૌભાંડઃ7 કેસોની તપાસનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચ કરશે

By GS TEAM
23 Jun 20251 min read
વડોદરામાં આધારકાર્ડ માટે બોગસ બર્થ સર્ટિફિકેટનું મોટું કૌભાંડઃ7 કેસોની તપાસનું સુપરવિઝન ક્રાઇમ  બ્રાન્ચ કરશે

વડોદરાઃ વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટના બહાર આવેલા કૌભાંડમાં ચોક્કસ ટોળકી સામેલ હોવાની આશંકાને પગલે પોલીસ કમિશનરે તમામ બનાવોની તપાસનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યું છે.

વડોદરા કોર્પોરેશનમાં આધાર કાર્ડની કામગીરી દરમિયાન બર્થ સર્ટિફિકેટ ફરજિયાત હોવાથી બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવતા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.

કોર્પોરેશનના સાઉથ ઝોનના આસિ.મ્યુ.કમિશનર અને આધાર કાર્ડ સેલના વડા શમિક જોશીની તપાસમાં છેલ્લા  બે મહિના દરમિયાન આ પ્રકારના સાત બોગસ બર્થ સર્ટિફિકેટ પકડાતાં તમામ બનાવો અંગે ગુના નોંધવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં માત્ર રૃ.૫૦૦ થી ૧૦૦૦ જેટલી રકમમાં જ બોગસ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતા હોવાની માહિતી મળી છે.

સમગ્ર પ્રકરણમાં કોઇ ચોક્કસ ગેંગ સક્રિય હોવાની આશંકા પણ જોવાઇ રહી છે.જેથી પોલીસ કમિશનરે તમામ સાતેય ગુનાઓની તપાસમાં સંકલન રહે અને મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચને સુપર વિઝન સોંપવાનો હુકમ કર્યો છે.જેથી હવે ઉપરોકત પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થઇ આરોપીઓની પૂછપરછ કરશે.