Gujarat

દુબઇથી વધુ પગારની નોકરી માટે થાઇલેન્ડ ગયા બાદ ફસાયેલા તુષારની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

By GS TEAM
17 Sep 20252 mins read
દુબઇથી વધુ પગારની નોકરી માટે  થાઇલેન્ડ ગયા બાદ ફસાયેલા તુષારની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

વડોદરાઃ દુબઇથી વધુ પગારની નોકરી માટે થાઇલેન્ડ ગયા બાદ ફસાયેલા તુષારને શોધવા માટે તેના માતા-પિતાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ભીની આંખે રજૂઆત કરી હતી.

દુબઇ નોકરી કરવા ગયેલો ન્યુ સમાનો તુષાર રાણપરા પાંચ મહિના બાદ વધુ  પગારની ઓફર મળતાં હોંગકોંગ અને ત્યાંથી થાઇલેન્ડ ગયો હતો.પરંતુ કંપની દ્વારા તેનો ફોન લઇ લેવામાં આવ્યો હોવાતી તેનો સંપર્ક કપાયો હતો.

બીજીતરફ પુત્રના વિરહમાં ઝૂરતા માતા- પિતાએ સમા પોલીસ તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.જેથી તેમણે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે તુષારના માતા-પિતાના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.

તુષારના પિતા નાગરભાઇ રાણપુરા અને માતા નીતાબેને કહ્યું હતું કે,અમારો પુત્ર અમને હેમખેમ પરત મળે તે જ અમારી અપેક્ષા છે.તેની સાથે વાતચીત થાય તો તેના ખબર અંતર મળી શકે.તેનો સંપર્ક  થતો નહિ હોવાથી પોલીસ પાસે મદદ માંગી છે.

વડોદરાના બીજા પણ યુવકો ફસાયા હોવાની આશંકા

ફ્રોડ કરતી ચાઇનીઝ કંપનીઓ દ્વારા યુવકોને ગોંધી રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરનાર સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતના ૧૫ જેટલા યુવકો ફસાયા હોવાની વિગતો ખૂલી હતી.

ચાઇનીઝ કંપનીઓ દ્વારા કરોડોના ફ્રોડ માટે વિદેશ જવા માંગતા યુવકોને ઉંચા એકાઉન્ટન્ટ,ક્લાર્ક,કમ્યુટર ઓપરેટર જેવા હોદ્દાના નામે પગારની ઓફર કરી ફસાવવામાં આવતા હોય છે.ત્યારબાદ તેમને પગાર પણ ચૂકવવામાં આવતો નથી અને બંધક બનાવી અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે.

વડોદરાના બે થી ત્રણ યુવકો હજી ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.જેથી વડોદરા પોલીસ દ્વારા સુરત પોલીસે કરેલી તપાસની વિગતો મેળવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા સાયબર સેલ પણ તપાસમાં મદદરૃપ થશે

થાઇલેન્ડ ગયા બાદ તુષાર કોઇ અજ્ઞાાત સ્થળે હોવાની આશંકા સેવાઇ રહી છે.તેની પાસે મોબાઇલ પણ નહિ હોવાથી તેના માતા- પિતાની ઉંઘ ઉડી ગઇ છે.જેથી માતા-પિતાએ આજે ડો.લીના પાટિલને રજૂઆત કરતાં તેમણે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે.આ ઉપરાંત વડોદરા સાયબર સેલ પણ જરૃર પડશે ત્યાં તપાસમાં મદદરૃપ થશે.