Ahmedabad News: અમદાવાદમાં દારૂની હેરાફેરીના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સપાટો બોલાવ્યો છે. સોમવારે (17મી નવેમ્બર) મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરા વિસ્તારમાં વિશાલા આઈસ ફેક્ટરી નજીકના એક ખુલ્લા પ્લોટમાંથી 2.16 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL)નો જંગી જથ્થો કબજે કર્યો છે. પોલીસે દારૂની 1,644 બોટલ સાથે બે શખસોની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.
રિક્ષામાં દારૂ ટ્રાન્સફર કરતી વખતે ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક લોકો આઈસ ફેક્ટરી નજીક ખુલ્લા મેદાનમાં IMFLનો મોટો જથ્થો રિક્ષામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ ટીમ સ્થળ પર પહોંચીને દરોડા પાડતા એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો, જ્યારે બે શખસને રિક્ષામાં દારૂ ભરવાના પ્રયાસ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ અખિલ ઇસ્માઇલ શેખ અને આફતાબ હુસનુદ્દીન શેખ તરીકે થઈ છે. જ્યારે ફરાર થયેલા આરોપીની ઓળખ સજ્જાદ તરીકે કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું
નસીમબાનુ માટે કન્સાઇન્મેન્ટ હતું
પકડાયેલા બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસને આપોરીઓએ જણાવ્યું હતું કે, આ દારૂનો કન્સાઇન્મેન્ટ સજ્જાદ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે જુહાપુરામાં રહેતા અન્ય એક સાથી ઝુબૈર ઉર્ફે કાલુ અકબર અલીએ તેને પહોંચાડવામાં મદદ કરી હતી. દારૂનો આ જથ્થો આઈસ ફેક્ટરી નજીક ઝેડ રો હાઉસમાં રહેતી નસીમબાનુ માટે હતો.
હાલ પોલીસે ગુજરાત દારૂબંધી કાયદાની કલમો હેઠળ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દારૂના સપ્લાયર્સને શોધવા, દારૂના સ્ત્રોતને ઓળખવા અને જપ્ત કરાયેલ રિક્ષાનો ઉપયોગ ગેરકાયદે દારૂ વહેંચવા માટે નિયમિતપણે થતો હતો કે કેમ તે ચકાસવા માટે તપાસ ચાલુ છે.


