કપડવંજના ઘઉંઆ ગામમાં આણંદના એકદંતાય ડીજેના સંચાલક સામે ગુનો
- ખેડા જિલ્લામાં ડીજે સંચાલક સામે પ્રથમ ગુનો
- 15 થી વધુ માણસોને ડીજે પર ચઢાવી તિવ્ર અવાજે વગાડી વાહન બેફિકરાઈથી ચલાવી જાહેરનામાનો ભંગ
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડી.જે. સંચાલકો બેફામ બન્યા હતા. ત્યારે જિલ્લા પ્રશાસને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન સાથે નિયમ વિરૂદ્ધ ધ્વનિ પ્રદૂષણ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ સાથેનું જાહેરનામુ તાજેતરમાં જ બહાર પાડયું હતું.
ગઈકાલે કપડવંજ તાલુકાના ઘઉંઆ ગામના તાબે મુખીના મુવાડામાં એક સામાજિક પ્રસંગમાં આણંદનું એકદંતાય ડી.જે. બોલાવવામાં આવ્યું હતું. ડી.જે. સંચાલક પ્રકાશ ઉર્ફે પકો ચીમન વાઘેલા (રહે. ચિખોદરા, તા.જિ.આણંદ) દ્વારા ૧૫થી ૨૦ માણસોને પોતાના ડીજે પર ચઢાવી અને ડી.જે. જોરથી વગાડી જાહેરનામોનો ભંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કપડવંજ ગ્રામ્ય પોલીસે ડી.જે. માલિક પ્રકાશ ઉર્ફે પકા પાસે ડીજે વગાડવાની પરમીટ- મંજૂરી માંગતા તે રજૂ કરી શક્યો નહોતો.
ડીજે પર ૧૫ ઉપરાંત વ્યક્તિને બેસાડી બેફીકરાઈ રીતે વાહન ચલાવી તિવ્ર અવાજે ડીજે વગાડી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા તેની સામે કપડવંજ ગ્રામ્ય પોલીસ મતકના પીએસઆઈએ ફરિયાદી બની વાહન સાથેની ડીજે સિસ્ટમ કબજે લઈ ગુનો દાખલ કર્યો છે.
આ મામલે કાયદા તજજ્ઞાએ જણાવ્યું હતું કે, ડીજેને કાયદેસરની મંજૂરી આપવા તંત્ર પાસે સત્તા નથી, સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ડીજે જેવી સિસ્ટમ વાગતી દેખાય તો તેની સામે જવાબદાર તંત્ર કાયદેસર કાર્યવાહી કરી જ શકે છે.