Get The App

ભેંસાણમાં કૂંડીમાં ઉતારી સફાઈ કરાવ્યા બદલ તલાટી, વહીવટદાર સામે ગુનો

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ભેંસાણમાં કૂંડીમાં ઉતારી સફાઈ કરાવ્યા બદલ તલાટી, વહીવટદાર સામે ગુનો 1 - image


કલેક્ટરે સમાજ કલ્યાણ અધિકારીને તપાસ સોંપી :  ભુગર્ભ ગટરની કુંડીઓની સફાઈ મશીન દ્વારા જ કરવાનો નિયમ છે તેમાં સફાઈ કર્મીને કોઈ સુરક્ષા વગર ઉતારવાના નથી તેવી સ્પષ્ટ જોગવાઈ છતાં સફાઈકર્મીઓને 'ગટર ઉભરાવાની ફરિયાદ મળે છે, અંદર ઉતરવું પડે તો પણ કરો નહિતર છૂટા કરીને પગાર નહીં અપાય' એવી ધમકી આપી હતી

જૂનાગઢ, : ભેસાણમાં કોઈ સુરક્ષા વગર ગટરની કુંડીઓની સફાઈ કરતા સફાઈ કર્મીઓનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના અંગે કલેક્ટરે સમાજ કલ્યાણ અધિકારીને તપાસ સોંપી હતી. જેમાં સફાઈ કર્મીઓને તલાટી તથા વહીવટદારે 'ગટર ઉભરાવવાની ફરિયાદ મળે છે, અંદર ઉતરવું પડે તો પણ સફાઈ કરો' તેમ કહીને અન્યથા છુટ્ટા કરી દેવા અને પગાર નહી આપવા ધમકી આપી હતી. સમગ્ર મામલે ભારે વિવાદ સર્જાયો હતો. આ અંગે આજે સફાઈ કર્મીએ તલાટી તથા વહિવટદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભેસાણના રાણપુર પરા વિસ્તારમાં રહેતા અને ગ્રામ પંચાયતમાં 7 વર્ષથી હંગામી સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ, તેના નાના ભાઈ લલીતભાઈ ચનાભાઈ ચૌહાણ અને તેનો પુત્ર રૂતીક લલીતભાઈ ચૌહાણને બે દિવસ પહેલા તલાટી મંત્રી જે.બી. સોલંકી અને વહિવટદાર ચાવડાભાઈએ 'તમારે ગ્રામ પંચાયત હેઠળ આવતી ભુગર્ભ ગટરની કુંડી સાફ કરવાનું કામ છે, કુંડીઓ ઉભરાવવાની ફરિયાદો મળે છે, અંદર ઉતરવું પડે તો પણ કુંડીમાં ઉતરી સફાઈ કરી નાખો તો જ તમારો પગાર આપશું નહીતર કામ પરથી છુટ્ટા કરી દઈશું અને પગાર પણ નહી આપીએ' તેવી વાત કરી હતી. ગઈકાલે સવારે દિનેશભાઈ, તેના નાના ભાઈ લલીતભાઈ અને તેનો પુત્ર રૂતીક કુંડીઓની સફાઈ કરવા માટે ગ્રામ પંચાયત ખાતેથી ફિલ્ટર તથા જેટીંગ મશીન લઈ નીકળા હતા. સાડા દસેક વાગ્યા આસપાસ ભેસાણના ગાંધીચોક વિસ્તારમાં ભુગર્ભ ગટરની કુંડી સાફ કરતા હતા ત્યારે તેમાં પથ્થર પડયો હોવાથી અંદર ઉતરીને સફાઈ કરવી પડે તેમ હતી.  દિનેશભાઈ કુંડીમાં ઉતર્યા હતા. આ સમયે તેના ભાઈના પુત્ર રૂતીકે તેના ફોનમાં વિડીયો ઉતારી ગાંધીનગર મોકલી દીધો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કલેક્ટરે જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીને તપાસ સોંપી હતી. ભુગર્ભ ગટરની કુંડીઓની સફાઈ મશીન દ્વારા જ કરવાનો નિયમ છે તેમાં સફાઈ કર્મીને કોઈ સુરક્ષા વગર ઉતારવાના નથી તેવી સ્પષ્ટ જોગવાઈ છે છતાં ભેસાણ ગ્રામ પંચાયતના તલાટી તથા વહિવટદારે સફાઈ કર્મીઓને ધમકાવી કુંડીમાં ઉતરવા મજબુર કર્યો હતો. સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થાય છે. જે અંતર્ગત સફાઈ કર્મીને ભેસાણ ગ્રામ પંચાયતના તલાટીમંત્રી જે.બી. સોલંકી અને વહિવટદાર ચાવડાભાઈ સામે ફરિયાદ કરતા ભેસાણ પોલીસે બીએનએસ કલમ 125, 54તથા અનુ જાતિ અને અનુ જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)(J)(3)(2) અને મેન્યુઅલ સેવેન્ઝર તરીકે રોજગાર પર પ્રતિબંધ અને પુર્નઃવસનની કલમ 9 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :