Get The App

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો

800 મીટર દૂર સુધી ઊડેલો સિલિન્ડર ટેરેસની દીવાલ તોડીને બે શ્રમજીવીને વાગ્યો હતો

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના    બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો 1 - image

વડોદરાઃ લક્ષ્મીપુરા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા સિલિન્ડર ફાટવાથી ટેરેસ પર કામ કરતા શ્રમજીવીનું મોત નીપજવાના બનેલા બનાવમાં લક્ષ્મીપુરા પોલીસે સોડા શોપના સંચાલક સામે બેદરકારી રાખવા બદલ ગુનો નોંધ્યો છે.

લક્ષ્મીપુરાની શ્રીકુંજ ગ્રીન સોસાયટીની  ટેરેસમાં તા.૧૬મીએ બપોરે બે કારીગર લોખંડની જાળી ફિટ કરવા વેલ્ડિંગનું કામ કરતા હતા તે દરમિયાન અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલો એક સિલિન્ડર ટેરેસની દીવાલ સાથે અથડાયો હતો.ત્યારબાદ આ સિલિન્ડર  ફેબ્રિકેશનનું કામ કરતા કારીગર મુકેશગીરી રામરૃપગીરી  ઉં.વ.૩૯, (રહે. ઇન્દિરાનગર,  પંચવટી, ગોરવા) ને વાગતાં તે નીચે પડી ગયો હતો.જ્યારે અન્ય ધર્મેન્દ્ર નામના અન્ય એક કારીગરને સાધારણ ઇજા થઇ હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુકેશગીરીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસના પીઆઇ ગાયત્રી રાજપૂતે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઇ તપાસ કરી હતી.જે દરમિયાન આશરે ૮૦૦ મીટર દૂર ધ કન્ટેનર પાર્ક નામના ફૂડ કોર્ટમાં આવેલી સોડા શોપમાંથી ગેસ સિલિન્ડર ફાટીને ઊડયો હોવાની વિગતો ખૂલી હતી.

ઉપરોક્ત બનાવમાં મરનાર મુકેશગીરીના ભાઇ જિતેન્દ્ર રામસ્વરૃપ ગીરી(વિરાર,પાલઘર,મુંબઇ)એ પોલીસને ફરિયાદ આપતાં ફૂડ કોર્ટ ખાતે સોડા શોપ ધરાવતા માલિક સામે બેદરકારી બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

મુકેશ પાંચ દિવસ પહેલાં જ બેન્કના કામ માટે ચંદીગઢથી વડોદરા આવ્યો હતો

લક્ષ્મીપુરામાં મકાનની ટેરેસ પર સિલિન્ડર વાગવાથી જીવ ગુમાવનાર મુકેશગીરીને જાણે તેનું મોત વડોદરા ખેંચી લાવ્યું હોય તેવા સંજોગ જોવા મળ્યા છે.

મુકેશગીરી છેલ્લા કેટલાક સમયથી ચંદીગઢ ખાતે તેના પરિવાર સાથે રહેતો હતો અને બેન્કના કામ માટે વડોદરાના ગોરવા ખાતે ઇન્દિરાનગરમાં રહેતા ભાઇ બજરંગીને ત્યાં પાંચ દિવસ પહેલાં આવ્યો હતો.

મુકેશગીરી જૂના શેઠ રણજીતકુમાર સરોજને મળ્યો હતો અને તેમના ન્યુ અલકાપુરી ખાતેના ગોડાઉન પર છૂટક મજૂરી કામે ગયો હતો.જે દરમિયાન ટેરેસ પર કામ કરતો હતો ત્યારે ઉછળીને આવેલો સિલિન્ડર વાગતાં તેનું મોત થયું હતું.

સોડા શોપ શરૃ થઇ નહતી,સફાઇ માટે ખોલી અને સિલિન્ડર બ્લાસ્ટ થયો

લક્ષ્મીપુરાના પીઆઇએ કહ્યું છે કે, ધ કન્ટેનર પાર્ક નામના ફૂડ કોર્ટમાં સોડા શોપ શરૃ થવાની હતી.જેનો સામાન પણ આવી ગયો હતો.પરંતુ દોઢેક મહિનાથી કોઇ કારણસર ચાલુ થઇશકી નહતી.બનાવ બન્યો તે દિવસે સોડા શોપના સંચાલકે સફાઇ માટે દુકાન ખોલી હતી અને સિલિન્ડર બહાર મૂક્યો હતો,જેથી ગરમીને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે.જેથી ફોરેન્સિક નિષ્ણાતોનો અભિપ્રાય માગવામાં આવ્યો છે.