નડિયાદના યુવકના આપઘાત મુદ્દે પેટ્રોલ પમ્પના વહીવટદાર સામે ગુનો
- પત્નીએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
- હિસાબમાં ઘટ પડે છે કહી વારંવાર પૈસા માંગી પતિને હેરાન કરતા હોવાનો પત્નીનો આક્ષેપ
નડિયાદ યોગીનગર સોસાયટીમાં રહેતા રંજનબેન પિયુષભાઈ રાવળના પતિ પિયુષભાઈ......ખાતે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. પિયુષભાઈએ તા. ૩૧/૭/૨૫ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પિયુષભાઈને છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલ પંપના વહીવટ કરતા રોબિન જયપ્રકાશ ભાનુશાલી દરરોજ નાઇટની નોકરી કરાવતા હતા. દિવસની નોકરી આપવાનું કહેવા છતાં દિવસની નોકરી આપતા ન હતા. અવારનવાર રોબિન ભાનુશાલી હિસાબમાં ઘટ પડે છે તેમ કહી પૈસાની માગણી કરતો હતો.
જેથી પિયુષભાઈએ તેમના પિતા પાસેથી રૂ.૨૦,૦૦૦ તેમજ ત્યારબાદ રૂ.૫,૦૦૦ આપ્યા હતા. છતાં રોબીન ભાનુશાલી ચોરી કરવાનું બંધ કરી દે તેવો આક્ષેપ કરી હેરાન કરતો હતો. આ પ્રકારના રોબિન ભાનુશાલીના ત્રાસથી કંટાળી પિયુષ રાવળે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હોવાનો મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે રંજનબેન રાવળની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે રોબિન જયપ્રકાશ ભાનુશાલી સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.