- નરસંડાની બી.એમ. પટેલ હાઇસ્કૂલમાં ધો. 10 માં અભ્યાસ કરતા
- સગીરને માર મારી 'ફરીથી એકલો મળીશ તો છરો મારી જીવતો નહીં રહેવા દઈએ' તેવી ધમકી આપી
નડિયાદ : નડિયાદ નજીક આવેલા નરસંડાની બી.એમ. પટેલ હાઇસ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને તેના સહપાઠી દ્વારા જાતિવિષયક શબ્દો બોલીને હેરાન-પરેશાન કરવા અને હુમલો કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજનગર ગામના સગીરના સહપાઠી અને શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નરસંડામાં રહેતા વ્યક્તિએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમનો સગીર ભત્રીજો બી. એમ. પટેલ હાઇસ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. ૧૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ૭.૩૦ વાગ્યે સગીર વિદ્યાર્થી ટયુશન પતાવીને ઘરે આવ્યો ત્યારે તેના કાકાને જણાવ્યું હતું કે, તેની સાથે ધોરણ ૧૦માં અભ્યાસ કરતો રાજનગર ગામનો એક સહપાઠી તેને જાતિવિષયક શબ્દો બોલીને સ્કૂલમાં હેરાન-પરેશાન કરે છે. આ બાબતે ફરિયાદીએ સ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલને ફોન કરીને સગીરને જાતિવિષયક શબ્દો બોલીને હેરાન કરવા બાબતે વાત કરતા પ્રિન્સિપાલે 'હું જોઈ લઉં છું' તેમ કહીને ફોન મૂકી દીધો હતો.
આ ઘટના બાદ બે-ત્રણ દિવસ સુધી સગીરના સહપાઠીએ તેને ખીજવવાનું બંધ કરી દીધું હતું. જોકે, ત્યારબાદ ફરીથી સગીરને જાતિવિષયક શબ્દો બોલીને 'તમે અમારું કશું બગાડી લેવાના નથી' તેમ કહીને હેરાન કરવામાં આવતો હોવાનું સગીરે તેના કાકાને જણાવ્યું હતું. ગત તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ ફરિયાદી નડિયાદ ગયા હતા ત્યારે તેમના પત્નીએ તેમને ફોન કરીને જણાવ્યું કે, ભત્રીજાને કોઈની સાથે ઝઘડો થયો છે અને તેને માથામાં વાગી જવાથી લોહી નીકળે છે. જેથી ફરિયાદી ઘરે આવ્યા હતા અને સગીરને હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સગીરની સારવાર કરી અને માથાના ભાગે ૩ ટાંકા આવ્યાનું જણાવ્યું હતું.
સગીર ભાનમાં આવતા તેના કાકાએ તેને બનાવ બાબતે પૂછયું હતું. સગીરે જણાવ્યું કે, આશરે ૮ઃ૦૦ વાગ્યાની આસપાસ તે ઘરેથી અગરબત્તી લેવા માટે ગામમાં નીકળ્યો હતો અને માણેકચોકમાં જતાં અચાનક પાછળથી તેની સાથે અભ્યાસ કરતો સહપાઠીએ તથા અન્ય એક શખ્સ મોટરસાયકલ પર હાથમાં લોખંડની પાઈપ સાથે આવ્યા હતા. બંને જણાએ તેની સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો. આ દરમિયાન અમિત દરબારે લોખંડનું કડું તેના માથાના ભાગે માર્યું હતું. સગીરે બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી માણસો આવી જતાં તેમને મારથી છોડાવ્યા હતા.
ત્યારબાદ બંને જણા મોટરસાયકલ લઈને ભાગી ગયા હતા. થોડીવાર પછી આ બંને જણા અને તેમની સાથે અન્ય એક ત્રીજો માણસ પાછા આવ્યા હતા અને સગીરને ધમકી આપી હતી કે, જો આ બનાવ બાબતે તે કોઈને પણ કહ્યું તો તેને ફરીથી એકલો મળીશ તો છરો મારી જીવતો નહીં રહેવા દઈએ. આ ધમકીઓ આપીને તેઓ જઈ રહ્યા હતા તે વખતે અમિત દરબારની સાથે આવેલા ત્રીજા માણસે સગીરને લાત મારીને ત્યાંથી ભાગી ગયો હતો.
વધુમાં સગીરે તેના કાકાને જણાવ્યું કે, આ સહપાઠી તેને સ્કૂલમાં ખીજવતો હોવાથી તે પ્રિન્સિપાલને મળવા ગયો હતો, પરંતુ પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલે પણ તેને જાતિવિષયક શબ્દો બોલીને કહ્યું હતું કે, 'તમે જે જ્ઞાતિના છો તો છો જ, તેમાં શું છે ? જે હશે તે જ કહેશેને, તેમાં શું ખોટું છે'. તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર ઘટનાને પગલે ફરિયાદીએ સગીરના સહપાઠી અને નરસંડાની બી.એમ. પટેલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.


