Get The App

રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો 1 - image

નડિયાદના ગણેશપુરા તાબે પાલૈયા ગામે 

કોર્ટે ઘર આગળથી અવરજવર કરવાનો રસ્તો ખુલ્લો કરવા માટે હુકમ કર્યો હતો, ચારને ઈજા

નડિયાદ: નડિયાદના ગણેશપુરા તાબે પાલૈયા ગામમાં ઘર આગળના અવરજવર કરવાના રસ્તા મામલે સોલંકી પરિવાર અને ગોહેલ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પથ્થરમારો અને મારામારી કરવામાં આવતા ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ મામલે મહિલા સરપંચ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

નડિયાદના ગણેશપુરા તાબે પાલૈયામાં રહેતા રામાભાઇ વાઘજીભાઈ ગોહેલ પરિવારનો અવરજવર કરવાનો રસ્તો ગોરધનભાઈ રાવજીભાઈ સોલંકીના ઘર આગળ આવેલો છે. આ રસ્તો ચાર મહિના અગાઉ સોલંકી પરિવારે બંધ કરી દીધો હતો. જેથી રામાભાઈ ગોહિલના ભત્રીજા જીગ્નેશ બાબુભાઈ ગોહેલે કોર્ટમાં દાવો કરતા કોર્ટે રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો હતો. ત્યારે બુધવારની સાંજે રામાભાઈ વાઘજીભાઈ ગોહેલ અને તેમનો ભત્રીજો રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે મનુભાઈ હરમાનભાઈ સોલંકી તેમજ તેમના સંબંધીઓએ 'તમારે આ રસ્તા પરથી જવાનું નથી' તેમ કહી સરપંચ સુમિત્રાબેન તેમજ તેમના સંબંધીઓ અપશબ્દો બોલી લાકડીઓ-ધારિયું લઈ રસ્તા વચ્ચે આવી ગયા હતા અને ગડદાપાટુનો મારમાર્યો હતો. 

મહિલા સરપંચના સંબંધીઓએ ઘરના ધાબા ઉપરથી પથ્થરમારો કરતા રામાભાઈ વાઘજીભાઈ ગોહેલ, જીગ્નેશભાઈ બાબુભાઈ ગોહેલ, સંજયભાઈ કાંતિભાઈ તેમજ અંજનાબેન ગોહેલને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે રામાભાઇ વાઘજીભાઈ ગોહેલની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે મનુભાઈ હરમાનભાઈ સોલંકી, મહેશભાઈ કાંતિભાઈ સોલંકી, સુમિત્રાબેન કાંતિભાઈ સોલંકી (સરપંચ), સુનિલભાઈ મનુભાઈ સોલંકી, અજીતભાઈ ફુલાભાઈ, ગીરીશભાઈ કાંતિભાઈ અને ગોરધનભાઈ રાવજીભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.