Gujarat

મહારાષ્ટ્ર મોકલવાની 20 ટન તુવેર બારોબાર વેંચી મારતા 3 સામે ગુનો

By GS TEAM
4 Mar 20261 min read
મહારાષ્ટ્ર મોકલવાની 20 ટન તુવેર બારોબાર વેંચી મારતા 3 સામે ગુનો

- મોરબીના રવાપર નાફેડ ગોડાઉનમાંથી ટ્રક ભરીને 

- ટ્રક માલિક, ટ્રક ચાલક અને એક અન્ય શખ્સે રૂા.૧૩.૮૪ લાખની ઠગાઇ કર્યાની લાઠી પોલીસમાં ફરિયાદ

અમરેલી: મોરબીના રવાપર ખાતેના નાફેડના ગોડાઉનમાંથી ૩૧ ટન તુવેરનો જથ્થો મહારાષ્ટ્રના આંકોલા પહોંચાડવાનાં બદલે આ પૈકી રૂા.૧૩.૮૪ લાખની ૨૦ ટન તુવેર ગોંડલ યાર્ડમાં બારોબાર વેંચી મારી છેતરપિંડી આચરતા ટ્રક માલિક, ડ્રાઇવર અને એક અન્ય શખ્સ સામે લાઠી પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

લાઠીના ભીંગરાળના શખ્સની મદદગારીથી જથ્થો ગોંડલ યાર્ડમાં વેચી માલ ખાલી કર્યાનું લાઠીનું લોકેશન દર્શાવ્યું

ગોંડલના વતની રજનીકાંત મનહરલાલ પંડયાએ તુવેરનું મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટેશન કરવા જયદીપસિંહ ભરતસિંહ પરમારની માલિકીનો ટ્રક ભાડે કર્યો હતો. જેમાં ટ્રક ચાલક શિવલાલ ધીરજલાલ વડગામાએ ૩૧ ટન તુવેર ભરી મહારાષ્ટ્રના આંકોલા ખાતે ખાલી કરવા જવાનું હતું. એ પછી ટ્રક ચાલકે ૩૧ ટન તુવેર આંકોલા પહોંચાડવાને બદલે માલ ખાલી કર્યાનું લાઠીનું ખોટું લોકેશન દર્શાવીને જથ્થા પૈકી ૨૦ ટન તુવેર કિંમત રૂા.૧૩.૮૪ લાખનો જથ્થો બારોબાર સગેવગે કરી ગોંડલ યાર્ડમાં વેંચી માર્યો હતો. ત્યારબાદ તેણે મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. આ કારોબારમાં તુવેર વેચવામાં સંજયભાઇ અણદાણીએ મદદગારી કરી હતી.

આ બાબતે રજનીકાંત પંડયાએ લાઠી પોલીસ મથકમાં બોટાદના ટ્રક માલિક જયદીપસિંહ ભરતસિંહ પરમાર તેમજ બોટાદના ટ્રક ચાલક શિવલાલ ધીરજલાલ વડગામા તેમજ મદદગારી કરવામાં આવેલ લાઠીના ભીંગરાળ ગામના સંજયભાઇ આણદાણી સામે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.