Gujarat

ભૂસ્તર તંત્રોની ટીમ ઉપર હુમલો સરપંચ સહિત ૨૫ સામે ગુનો

By GS TEAM
24 Aug 20252 mins read
ભૂસ્તર તંત્રોની ટીમ ઉપર હુમલો  સરપંચ સહિત ૨૫ સામે ગુનો

જિલ્લામાં રેતી માફીયાઓનો વધતો આતંક ઃ માણસાના દેલવાડમાં

અહીંયા શું કામ આવ્યા છોબીક નથી લાગતીમાર ખાવો છેતેવી ધમકીઓ પણ આપી ઃ પોલીસે તપાસ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં નદીઓમાં રેતી ચોરીની પ્રવૃત્તિ વધી છે ત્યારે જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા માણસાના દેલવાડ પાસે નદીમાં રેતી ચોરી અટકાવવા માટે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સરપંચ સહિત ૨૫થી વધુનું ટોળું આવ્યું હતું અને ટીમ ઉપર હુમલો કરીને ધમકી આપી હતી. જે મામલે હાલ માણસા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરી કરવા માટે માફિયાઓ સક્રિય થયા છે ત્યારે તંત્ર દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં માણસામાં આવેલા દેલવાડમાં રાત્રિના સમયે વ્યવસ્થિત રીતે રેતી ચોરી થતી હોવાની માહિતી જિલ્લા ભૂસ્તર તંત્રની ફ્લાઈંગ ટીમને મળી હતી. જેના પગલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સત્યમ જયેશકુમાર પંડયા અને અન્ય સાથી કર્મચારી, અધિકારીઓએ અહીં દરોડો પાડયો હતો. આ દરમિયાન અહીં રેતી ચોરી કરેલા વાહનો પકડવામાં આવ્યા હતા.પાંચ મિનિટ પછી, લગભગ ૨૫-૩૦ અજાણ્યા લોકો, જેઓ સ્વિફ્ટ ગાડી, કાળા બુલેટ બાઇક, બે કાળા સ્કોપયો અને સફેદ ફોર્ચ્યુનર ગાડીમાં આવ્યા હતા, તેમણે તપાસ કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો અને ધમકી આપી કે, ધઅહિયાં શું કામ આવો છો?, બિક નથી લાગતી, માર ખાવી છે, આગળ જશો તો હાથ પગ તોડી નાખીશું અને જાનથી મારી નાખશુંધ.

આ લોકોમાંથી એકનું નામ ઘનશ્યામભાઈ ચાવડા ઉર્ફે ભોલાભાઈ સરપંચ હોવાનું અને બીજો તેમનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. ઘનશ્યામભાઈ અને તેમના પુત્રએ સર્વેયર વેદાંતભાઈ પટેલ સાથે ઝપાઝપી કરી અને ગળદા-પાટુ માર માર્યો હતો અન્ય આરોપીઓએ સિક્યુરીટી ગાર્ડ અશોકસિંહ ચાવડા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ તપાસ ટીમ પાસેથી વાહનોની ચાવી છીનવી લીધી અને વાહનો ભગાડી ગયા હતા. આગળ જતા પણ પકડેલું ડમ્પર છોડાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે હાલ માણસા પોલીસ દ્વારા સરપંચ સહિત ૨૫ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.