ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના માતાનું સેવાકાર્ય : ગૌ માતા-નંદીજી મહારાજને 2,100 કિલો રસ અને 5 હજાર રોટલી જમાડી
Vadodara : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા નલિનીબેન હિમાંશુભાઇ પંડ઼્યા દ્વારા ગૌ સેવાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતી 700 જેટલી ગૌ માતા તથા નંદીજીને ક્યારીમાં 2,100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 5 હજાર રોટલીનું જમણ પીરસ્યું છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશન વિતેલા સાડા ચાર વર્ષોથી નિસહાય વૃદ્ધોને નિયમીત ભોજને સેવા આપે છે. સાથે જ વિતેલા દોઢ વર્ષથી પાંજરાપોળમાં આશરો લેતા ગૌ માતા અને નંદીજી મહારાજને વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, રોટલી, પૌષ્ટિક આહાર, લીલું ઘાસ, ઔષધિય લાડું અને ગોળની ભોજનસેવા પણ આપી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને ગૌ સેવા સાથે જોડવાનો છે. એક સમયે આપણા પરિવારમાં ગૌ માતા માટે પહેલું ભોજન કાઢવામાં આવતું હતું. પરંતુ હવે સમય જતા તે વિસરાઇ રહ્યું છે. જે થતું રોકવાનો આ પ્રયાસ છે. આ વખતે બીજી વખતના કેરીના રસ અને રોટલીના કાર્યક્રમમાં ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ઼્યાના માતા નલિનીબેન હિમાંશુભાઇ પંડ્યા જોડાયા છે. તેમણે 2,100 કિલો કેરીનો રસ અને 5 હજાર જેટલી રોટલી ક્યારીમાં પીરસી છે. અને અનોખી ગૌ સેવાનો લાભ લીધો છે. હાલના દિવસોમાં ગુજરાતી પરિવારોમાં જમતા સમયે થાળીમાં રસ-રોટલીનું સ્થાન હોવું સ્વભાવિક છે. તેવી જ રીતે નલિનીબેન પંડ઼્યાએ ગૌ માતા અને નંદીજી માટે રસ, રોટલી જમાડ્યા છે. આ તકે નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, અમે લોકોને ગૌ સેવામાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં આજે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા જોડાયા છે. જે અમારી માટે ગર્વની વાત છે.