યુનિ.માં અન્ય રમતો માટે પસંદગી શરુ પણ ક્રિકેટ ટીમની સિલેક્શન તારીખ જાહેર થતી નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ઉભરતા ક્રિકેટરનું ભાવિ અંધકારમય દેખાઈ રહ્યું છે. ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે પરંતુ હજી સુધી ક્રિકેટ ટીમની પસંદગીના ઠેકાણા નથી.કારણકે યુનિવર્સિટી પાસે સિલેક્શન ટ્રાયલ માટે મેદાન જ નથી.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી પેવેલિન ખાતે બીજી રમતો માટે ટીમોની પસંદગી શરુ પણ થઈ ગઈ છે. ખોખો, ફૂટબોલ, ટેનિસ અને હેન્ડ બોલ જેવી રમતો માટે ગર્લ્સ ટીમોની પસંદગી થઈ ગઈ છે.આગામી દિવસોમાં બીજી રમતોની ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોની પસંદગી પણ થવાની છે.જોકે ક્રિકેટ ટીમની પસંદગી માટે હજી સુધી સત્તાધીશોએ કોઈ તારીખ જ જાહેર કરી નથી.
સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટીના સત્તાધીશોની બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમઓયુ આગળ નહીં વધારવાની જીદ ક્રિકેટની રમત પર ભારે પડી રહી છે.કારણકે એમઓયુ ના અભાવે ક્રિકેટ સુવિધાઓ મૃતપાય થઈ ગઈ છે.બીસીએ પહેલા ડી એન હોલ મેદાનની જાળવણી પણ કરતું હતું.એમઓયુ આગળ નહીં વધ્યા બાદ યુનિવર્સિટી પોતે મેદાન જાળવી શકી નથી.રહી રહીને મેદાનનું ઘાસ કાપવામાં આવ્યું છે પણ ક્રિકેટ પ્રેક્ટિસ માટે ટર્ફ વિકેટ ઉપલબ્ધ નથી.નવી ટર્ફ વિકેટ બનાવવાની ક્ષમતા યુનિવર્સિટી પાસે નથી.
આમ ટર્ફ વિકેટ વગર ક્રિકેટ ટીમની પસંદગી ક્યાં કરવી અને એ પછી ખેલાડીઓની પ્રેક્ટિસ ક્યાં યોજવી તે સવાલ છે.આ સવાલોનો જવાબ શોધવાની જગ્યાએ સત્તાધીશો સિલેક્શન જ ટાળી રહ્યા છે.ગમે ત્યારે ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખો જાહેર થશે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની ક્રિકેટ ટીમ પૂરતી તૈયારીઓ વગર જ તેમાં ભાગ લેવા જશે તેવુું લાગી રહ્યું છે.