વિદેશથી ક્રિકેટ સટ્ટો રમાડતી એપ્લિકેશનો ‘ગેમ્બલિંગ એક્ટમાંથી બાકાત ? ગેરકાયદે ક્રિકેટ સટ્ટો નિરંકુશ જ રહેશે!
AI IMAGE |
Gambling Act : હવે, મોબાઈલ ફોન ઉપર ડઝનબંધ એપ્લિકેશનોથી પાના-પત્તા, તીનપત્તી, પોકર, વર્લીમટકા કે ક્રિકેટ સટ્ટા સહિતના જુગાર રમાઈ રહ્યાં છે. મોબાઈલ ફોનથી ઓનલાઈન ગેમ્બલિંગ કિશોરો, યુવાઓ, યુવતીઓ અને પરિવારો માટે આર્થિક, સામાજીક અને પારિવારીક વિનાશનું કારણ બન્યાં છે. દેવાના ડુંગરમાં ડૂબી જવાથી કે ઘર-વખરી વેચી સટ્ટાનો શોખ પોષતી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનો અને સટ્ટા ઉપર કાયદાકીય અંકુશ મુકાયો છે.
ગેમિંગ એપ્લિકેશનો ઉપર અંકુશ સામે ઉહાપોહ વચ્ચે સુપ્રિમ કોર્ટમાં લડત આપવાની તૈયારીઓ વચ્ચે બુકી બજાર અને સટોડિયાઓમાં ચર્ચા છે કે, યુવાધન અને પરિવારોને બરબાદ કરતો ગેરકાયદે ક્રિકેટ સટ્ટો નિરકુંશ જ રહેવાનો છે. મંજુરી ધરાવતી ગેમિંગ એપ્લિકેશન ઉપર અંકુશ મેળવવાની કવાયત શરૂ કરી દેવાઈ છે પણ કરોડો રૂપિયા વિદેશમાં ઠાલવતી બુકી બજાર બિન્દાસ્તપણે કહી રહી છે કે, ભારતમાં ક્રિકેટ સટ્ટો ગેરકાયદેસર છે અને તેના ઉપર કાયદાનો અંકુશ કઈ રીતે લાગુ પડે? ગેમિંગ એપ્લિકેશન ઉપર અંકુશ પાછળ યુવા ધનને બચાવવા ઉપરાંત ક્રિકેટ સટ્ટાથી વિદેશમાં મની લોન્ડરિંગથી ઠલવાતાં અબજો રૂપિયા બચાવવાની સરકારી કવાયત કેટલી સફળ રહેશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
બુકીઓ બિન્દાસ્તપણે કહે છે - ગેરકાયદે ધંધા ઉપર કાયદાનો અંકુશ કઈ રીતે લાગે?
ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન ઉપર અંકુશનો કાયદો લાગુ કરવાની દિશામાં સરકાર પૂર્ણરૂપે સક્રિય થઈ છે તે સાથે જ અનેક સવાલો સર્જાયાં છે. ભારતમાંથી લાઈસન્સ લઈને ગેમિંગ એપ્લિકેશન ચલાવતી કંપનીઓ કાયદાકીય લડતની તૈયારીઓ કરી રહી છે તો 20,000 કરોડની રેવન્યૂ ગુમાવીને પણ ભારતની યુવાપેઢીના હિતમાં વળતી લડત આપવા સરકાર તત્પર છે. રિયલ મની એટલે કે હાર-જીતની લત લગાવતી ગેમિંગ એપ સ્કીલ્ડ ગેમ ગણાય કે નહીં તેવો ટેકનિકલ મુદ્દો છે.
હાલમાં તો અનેક ભારતીય એપ્લિકેશનોએ રોકડ હાર-જીતના બદલે યુવા વર્ગને ઓનલાઈન ગેમિંગની લત ન છૂટે તે માટે મફત એન્ટ્રી સાથે ઓનલાઈન ગેમિંગ ચાલુ રાખીને તેમાં પૈસા ન વસુલતાં જીત મળે તેને ઈનામો આપવાનો ખેલ ખેલ્યો છે. આવી કંપનીઓ ગેમર્સનો ડેટા મેળવીને એડવર્ટાઈઝમેન્ટનું નવું બિઝનેશ મોડેલ અપનાવવાની દિશામાં આગળ વધી કેન્દ્રના કાયદાને પડકારી રહ્યાં છે.
ઓનલાઈન ગેમિંગનો મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી કાયદાકીય લડતમાં જશે તેવા અણસાર વચ્ચે મોટો વિવાદ ગેરકાયદે ક્રિકેટ સટ્ટાનો છે. ભારતમાં વર્ષે 30,000 કરોડનો ગેરકાયદે ક્રિકેટ સટ્ટો રમાય છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ક્રિકેટ સટ્ટો ગેરકાયદે છે ત્યારે વર્તમાન સ્થિતિમાં અમુક બુકી કહે છે કે, ભારતમાં ક્રિકેટ સટ્ટો જે ગેરકાયદે છે તો કાયદાનો અંકુશ કઈ રીતે લાગે? મતલબ કે, હજારો કરોડનો ક્રિકેટ સટ્ટો ચાલતો જ રહેશે તે બાબતે બુકી બજાર બિન્દાસ્ત છે.
ગેરકાયદે કૃત્ય પકડાય એટલે નવા કાયદાનુસાર કાર્યવાહીના બહાને જેમની પાસે સાા છે તેવા લોકો મ્હોં વઘુ ફાડશે એવો પડકાર એક બુકીએ વિદેશ બેઠાં બેઠાં ફેંક્યો છે. વિદેશથી સટ્ટાનું સંચાલન કરતાં બુકીઓના પન્ટરો કે ખેલી પકડાય તો સસ્તામાં પતાવટ થાય પણ સટ્ટો રમાતો રહે છે. ક્રિકેટ સટ્ટાનું સંચાલન કરતાં સર્વર મોટાભાગે વિદેશમાં કાર્યરત કરીને ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ એવા અનેક બુકીઓ હજૂ સલામત છે.
ક્રિકેટ સટ્ટાથી મની લોન્ડરિંગથી અબજો રૂપિયા ભારત બહાર જાય છે તેના ઉપર અંકુશનો સરકારનો વ્યૂહ છે. તો, બુકી બજાર માને છે કે જુગારના રોમાંચની માનસિકતા છે ત્યાં સુધી ઓનલાઈન કે ઓફલાઈન ગેઈમ્સ કે ક્રિકેટ સટ્ટાનો અંત આવવાનો નથી. હવે, સરકારનો કાયદો જીતશે કે ઓનલાઈન ગેમર્સ કે બુકીઓનો ગેરકાયદે ધંધો? એના ઉપર સટ્ટો ન રમાય તો જ નવાઈ તેવી ટકોર થઈ રહી છે.
દશકાથી વ્યાપ્ત ઓનલાઈન સટ્ટો અટકશે તો ‘બુકીઓની બોલબાલા’ વધશે, રૂબરૂ સટ્ટો નોંધાશે
ગેમિંગ એપ્લિકેશન ઉપર લાગુ નવા નિયમોની ગુજરાતના બુકીઓમાં ભારે ચર્ચા છે. છેલ્લા એક દશકાથી ગુજરાત સહિત દેશભરમાં ક્રિકેટ સટ્ટો ઓનલાઈન અને એપ્લિકેશન આધારિત થઈ ગયો છે. જો ઓનલાઇન સટ્ટા ઉપર અંકુશ મેળવવામાં સરકાર સફળ રહેશે તો ફરી એક વખત સટ્ટા એપ્લિકેશનને બદલે બુકીઓની બોલબાલા વધશે. બુકી બજાર કહે છે કે, વર્ષોથી સટ્ટાની લત લાગી ચૂકી છે તેવા ગ્રાહકો ઓનલાઈન સટ્ટો અટકશે તો બુકીઓને રૂબરૂ મળીને સટ્ટો બુક કરાવીને નોંધ કરાવશે. હાલમાં માંડ એક ટકા જુના ગ્રાહકો જુની પઘ્ધતિએ સટ્ટો બુક કરે છે તેમાં વધારો થવાની સંભાવના બુકીઓ જૂએ છે.
પૈસા વગરની ગેમિંગ એપ્લિકેશનને મંજુરી અપાશે અને ઓલિમ્પિકમાં ઈ-સ્પોર્ટસ રમાશે
દેશભરમાં પૈસાની હાર-જીત કે અન્ય પ્રકારની ગેમિંગ એપનું સંચાલન કરતી 400 જેટલી કંપનીઓની માર્કેટ વેલ્યૂ બે લાખ કરોડ ગણાય છે. આ કંપનીઓમાં બે લાખ લોકોને રોજગારી અને સરકારને 20,000 કરોડ રૂપિયા જીએસટીની આવક થાય છે. અઢી બિલીયનનું વિદેશી રોકાણ ધરાવતી આ કંપનીઓ વર્ષે દહાડે 3,000 કરોડ જાહેરાત પાછળ ખર્ચે છે. આવી મસમોટી પૈસાની હેરાફેરી ધરાવતી માર્કેટના બદલે માનસિક સ્તર વધારતી ગેમિંગ એપ્લિકેશનને મંજુરી અપાશે અને આવનાર ઓલિમ્પિકમાં સ્કીલ દર્શાવતાં ઈ-સ્પોર્ટસ રમાડવાની તૈયારીઓ પણ થઈ રહી છે. યુવા શક્તિને પૈસાના બદલે મેન્ટલ સ્કીલ પ્રદર્શિત કરવા તરફ વાળવાની નેમ સાથે સરકાર નવો કાયદો લાવી છે.
માત્ર 200 રૂપિયા દંડ ભરી સટ્ટોડિયા મુક્ત થતાં હતા હવે 50 લાખ દંડનો નવો કાયદો અસરદાર બની શકે
ગુજરાતમાં કોઈ ક્રિકેટ સટોડિયો પકડાય તો પોલીસમાંથી ગણતરીના કલાકોમાં અને કોર્ટમાં 200 રૂપિયા દંડ ભરીને મુક્ત થઈ જાય છે. પહેલી વખત પકડાય તો મહામ ૧ મહિનો, બીજી વખતમાં બે મહિના અને ત્રીજી વખત પકડાય તો મહામ 3 મહિનાની જેલનો ગેમ્બલિંગ એક્ટ ગુજરાતમાં છે. મોટાભાગે રોકડ દંડ ભરીને બુકીઓ છૂટી જાય છે. પણ, નવા કાયદામોં બેથી પાંચ વર્ષ સુધીની જેલસજા તેમજ રૂા. 50 લાખથી એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ગુજરાત સહિત દેશભરમાં કડક અમલ થાય તો ક્રિકેટ સટ્ટા સહિત ઓનલાઈન ગેમ્બલિંગ સામેનો નવો કાયદો અસરદાર બની શકે છે.