વડોદરામાં દિવાળી પર્વ દરમિયાન આગના 50થી વધુ બનાવો, 6 ગોડાઉનમાં આગ
વડોદરા, તા. 08 નવેમ્બર 2021 સોમવાર
વડોદરામાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાના 50 થી વધુ બનાવો બનતા ફાયર બ્રિગેડને ઉપરાછાપરી કામગીરી ચાલુ રાખવી પડી હતી. મોટાભાગના આગના બનાવો ફટાકડા ને કારણે લાગ્યા હોવાનું મનાય છે.
વડોદરામાં તા 4 થી એ દિવાળી ના દિવસે આગ લાગવાના સૌથી વધારે બે ડઝન જેટલા બનાવો બન્યા હતા. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ મળતા રહ્યા હતા. દિવાળીને દિવસે લાગેલી આગના બનાવમાં ૫ નાના-મોટા ગોડાઉન તેમજ એક કંપની માં આગ લાગી હતી. જ્યારે ઉંડેરા વિસ્તારમાં એક ખેતરમાં પણ આગનો બનાવ બન્યો હતો.
આ જ રીતે બીજા દિવસે તા 5 મીએ નૂતન વર્ષ ના દિવસે પણ બે દુકાન સહિત આઠ મકાનોમાં આગ લાગી હતી. જ્યારે તા છઠ્ઠીએ પણ એક ગોડાઉન અને છ મકાનોમાં આગના બનાવ બન્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વડસર વિસ્તારમાં તા 7મીએ ચાર ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરી સામાન ખાક થઈ ગયો હતો. આગના બનાવોમાં એક કાર સહિત છ વાહનોને પણ નુકસાન થયું છે. જ્યારે, બે લારી, ગેસ લાઇન તેમજ ઝાડમાં પણ આગ લાગવાના બનાવો બન્યા છે.