ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો
કરોડોના ખર્ચે બનેલા હાઈવેની ગુણવત્તા સામે સવાલ
ઓવરબ્રિજ બન્યાને માત્ર એક વર્ષ જેવો સમય થયો, ને હજુ સત્તાવાર રીતે લોકાર્પણ થવાનું પણ બાકી છતાં બીજી વખત તૂટફૂટ થતાં ઉહાપોહ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે જે રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થાય છે. અહીં રાજુલાના ચાર નાળા નજીક ફ્લાય ઓવર પર મસમોટી તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ફ્લાય ઓવર પર તિરાડો પડતા અને રસ્તો બેસી જતા કામગીરીને લઇ અનેક સવાલો ઉઠયા છે. ફલાય ઓવર બન્યો એને માત્ર એક વર્ષ જેવો સમય થયો છે. સત્તાવાર રીતે લોકાર્પણ થવાનું પણ બાકી છે. પરંતું લોકાર્પણ પહેલાં નેશનલ હાઇવેના રસ્તા તેમજ બ્રીજ પર મસમોટી તિરાડો અને ગાબડાંઓ પડી ગયાં છે. હાઇવે પરના માર્ગ પર તિરાડો પડી જવાથી નેશનલ હાઇવે કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ પણ હાઇવેના હિંડોરણા તથા મજાદર સહિત અનેક બ્રીજ પર ગાબડાઓ તથા તિરાડો પડી જવાની ઘટના બની ચુકી છે ત્યારે બ્રીજ પરનો રસ્તો બેસી જતાં વાહનો ઊછળકૂદ થઇ રહ્યા છે. જેથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે ઉદ્ધાટન પહેલા જ હાઇવે પર તિરાડો પડતાં વાહનચાલકો પરેશાન થયાં હતાં. કરોડોના ખર્ચે બની રહેલ નેશનલ હાઇવે શું આવી જ નબળી કામગીરી થશે સહિત વિવિધ સવાલો ઉઠયા છે. હવે નેશનલ હાઇવેની ઓથોરિટી દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.