Get The App

આણંદના ભાલેજ ઓવરબ્રિજની કોલમોમાં તિરાડો

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
આણંદના ભાલેજ ઓવરબ્રિજની કોલમોમાં તિરાડો 1 - image


- 100 ફૂટ લાંબા બ્રિજમાં જોડાણ વચ્ચે ગેપ વધી, એક સ્થળે કાણું પડી ગયું

- 40 વર્ષ જૂના બ્રિજ પરથી રોજના 10 હજારથી વધુ વાહનોની અવરજવર, નીચે રેલવે ટ્રેક પર 80 થી વધુ ટ્રેનો પસાર થતા દુર્ઘટનાનો ભય

આણંદ : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આણંદ શહેરી વિસ્તારમાં આવેલા ચાર ઓવરબ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે ૧૦૦ ફૂટ લાંબા ભાલેજ ઓવરબ્રિજ ઉપર કોલમોમાં તિરાડો પડી ગયેલી જણાઈ હતી. આ ઓવરબ્રિજ ઉપરથી દૈનિક ૧૦ હજારથી વધુ વાહનો અવરજવર કરવા સાથે રેલવે લાઈન પરથી ૮૦થી વધુ ટ્રેનો પસાર થાય છે. ત્યારે ૪૦ વર્ષ જૂના ઓવરબ્રિજથી ગંભીર દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા આગળ રજૂઆત કરશે તેવો દાવો કરી રહી છે.

આણંદ મનપાની ટીમો અને માર્ગ મકાન વિભાગ દ્વારા આણંદ શહેર વિસ્તારના ભાલેજ, ચિખોદરા, બોરસદ ચોકડી અને જનતા ક્રોસિંગ ઓવરબ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી. આણંદ શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર આવેલા ભાલેજ ઓવરબ્રીજની આશરે ચાર માસ અગાઉ રૂા. ૩ કરોડના ખર્ચે મરામત કરવામાં આવી હતી. જોકે આ સમારકામ બ્રિજના બંને તરફના ઢાળ ઉપર કરી તંત્રએ સંતોષ માન્યો હતો. બીજી તરફ રેલવે લાઇનની ઉપર આવેલા આશરે ૧૦૦ ફૂટ લાંબા ઓવરબ્રિજ ઉપર સમારકામ કરવામાં ન આવતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ૧૯૮૫માં ભાલેજ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લગભગ ૪૦ વર્ષ જૂના ઓવરબ્રીજ યોગ્ય જાળવણીના અભાવે છેલ્લા ઘણા સમયથી જર્જરિત બની ગયો છે. રેલવે લાઇન ઉપર આવેલા ૧૦૦ ફૂટ લાંબા બ્રીજની તપાસ દરમિયાન કોલમમાં તિરાડો પડી ગઈ હોવાનું અને કોલમના જોડાણ વચ્ચે ગેપ વધી ગઈ હોવા સાથે બ્રિજ ઉપરનો ફૂટપાથ પણ જર્જરિત થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. બ્રિજ ઉપર પાણી ભરાવાના કારણે સ્લેબમાંથી કોલમ ઉપર પાણી ટપકતા તેને પણ નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોએ આ અંગે અધિકારીને જણાવતા તેઓએ ઓવરબ્રિજનો આ ભાગ રેલવે વિભાગની હદમાં આવતો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરના મુખ્ય પ્રવેશ દ્વારા ગણાતા ભાલેજ ઓવરબ્રીજ ઉપર દૈનિક ૧૦,૦૦૦થી વધુ નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. સાથે સાથે બ્રિજ નીચે આવેલી રેલવે લાઈન ઉપરથી દિવસ રાત ૮૦થી વધુ ટ્રેનો પસાર થાય છે. ટીમ દ્વારા બ્રિજની તપાસ કરવામાં આવતા એક સ્થળે મોટું કાણું પડી ગયેલું જોવા મળ્યું હતું. કોલમ સહિત બ્રિજની બંને બાજુની દીવાલો ઉપર મોટી તિરાડો પડેલી તથા બ્રિજની આસપાસ જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાયું હોવાનું જોવા મળ્યું હતું. ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા આ ઓવરબ્રિજમાં ક્ષતિઓ જોવા મળી છે. ત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જાગેલું તંત્ર ભાલેજ ઓવરબ્રિજ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. 

રેલવે વિભાગમાં આવતા બ્રિજની ચકાસણીમાં તિરાડો મળી : મનપા ડે. કમિશનર

આ અંગે આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, મનપાની ટીમ દ્વારા આણંદ ભાલેજ ઓવરબ્રિજની મુલાકાત લઇ ચકાસણી કરવામાં આવી હતી જેમાં તાજેતરમાં ઓવરબ્રિજની બંને તરફના ઢોળાવ ઉપર સમારકામ કરેલું હોવાથી કોઈ ક્ષતિ જોવા મળી નહોતી. પરંતુ રેલવે વિભાગમાં આવતા મુખ્ય બ્રિજની ચકાસણી કરતા તિરાડો જોવા મળી હતી અને બે કોલમ વચ્ચે ગેપ વધી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ બાબતે આગળ રજૂઆત કરવામાં આવશે.

Tags :