વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામમાં અનેક જગ્યાએ તિરાડો-ભંગાણ, 180 કરોડની ગ્રાન્ટ CMએ કરી હતી મંજૂર
Vishwamitri Project : વડોદરાની મઘ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસા દરમિયાન ભારે પૂર આવ્યા બાદ રાજ્ય સરકારે પાવાગઢથી પીંગલવાડા સુધી વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાવી છે. ત્યારે છેલ્લા બે દિવસથી વાવાઝોડુ અને માત્ર દોઢ ઈંચ વરસાદ પડયો અને વિશ્વામિત્રી નદીના મુખ્ય કાંઠામાં ઠેર ઠેર માટીનું ધોવાણ થઈ ગયું છે એટલું જ નહિ કારેલીબાગ વિસ્તારનું નદીનું વહેણ પણ બદલાઈ ગયું છે. વડોદરા શહેરની મઘ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમા દર બે ત્રણ વર્ષે પૂર આવતું હોવાથી લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતું રહ્યું છે.
ગત ચોમાસામાં વડોદરા શહેરમાં ભારે પૂર આવ્યુ ત્યારે જે વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પસાર થતી ન હતી તેવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને ચાર થી પાંચ દિવસ સુધી લોકોને ઘરમાં પૂરાઈ રહેવું પડયું હતું. તે સમયે ગૃહરાજ્યમંત્રી, કેટલાક ધારાસભ્યો અને કોર્પોરેટરોનો ઘેરાવો થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે નવલાવાલાના અઘ્યક્ષસ્થાને તજજ્ઞોની સમિતિ બનાવી હતી.
બુધવારે મળસ્કે ચાર વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો જે બપોર સુધી ચાલુ રહ્યો હતો. દિવસ દરમિયાનમાં માત્ર દોઢ ઈંચ વરસાદ નોંધાયો તેમ છતાં વિશ્વામિત્રી નદીના મુખ્ય કાંઠા પર હરણીથી મુંજમહુડા સુધીના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના મુખ્યપ્રવાહના બંને કાંઠા પર જ્યાંથી માટી ખોદકામ અને વૃક્ષો કાપવામાં આવ્યા છે તે સ્થળોએ માટીનું ધોવાણ થયાનું જાણવા મળે છે.
નદીના પાળામાં ભંગાણ પડતા કોતરનું પાણીનું વહેણ બદલાયું
મંગલપાંડે બ્રિજથી અગોરા મોલ સુધીના રસ્તા પર વિશ્વામિત્રી નદીની કોતરોની ખાનગી માલિકીની જમીનો ખુલ્લી પડી છે તેમાં ભરાતુ પાણી અગોરા મોલની બાજુમાં આવેલી વિશ્વામિત્રી નદીની પ્રશાખામાં થઈ ઈએમઈ થઈ આગળના ભાગે વિશ્વામિત્રીમાં પાણી ઠલવાતું હતું. મંગલપાંડે બ્રિજથી અગોરા મોલ વચ્ચેના ભાગમાં વિશ્વામિત્રીના મુખ્ય કાંઠાની માટી ખોદકામ કરવામાં આવતા કેટલીક જગ્યાએ માટીનું ધોવાણ થયું છે તેમાં અગોરાની આજુબાજુની કોતરોનું પાણી જે અગોરાની બાજુમાં આવેલી વિશ્વામિત્રી નદીની પ્રશાખામાંથી નિકાલ થતો હતો. તે પાણીનો જથ્થો હવે વિશ્વામિત્રી નદીના મુખ્ય પ્રવાહમાં ઠલવાઈ રહ્યો છે જેથી માટીના ખોદકામ બાદ નદીના કાંઠામાં મોટુ ગાબડુ પડયું છે.
જીઓ ટેક્સટાઈલ સિસ્ટમ લગાવી છતાં માટીનું ધોવાણ
વિશ્વામિત્રી પ્રોજેક્ટ નિહાળવા મુખ્યમંત્રી કારેલીબાગ મંગલપાંડે બ્રિજ પાસે આવ્યા હતા ત્યારે કોર્પોરેશને માટી ખોદકામ બાદ ભવિષ્યમાં માટીનું ધોવાણ થાય નહીં તે માટે મંગલપાંડે બ્રિજથી કારેલીબાગ બ્રિજ સુધી માટી ઉપર જીઓ ટેક્સટાઈલ કોઈર વુવન સિસ્ટમ એટલે કે ખાસ પ્રકારના ઘાસની ચાદર પાથરવામાં આવી હતી તે ઘાસ લગાવ્યું હોવા છતાં તે સ્થળ પર અનેક જગ્યાએ માટીનું ધોવાણ થઈ ગયાનું અને માટીના પાળામાં અસંખ્ય તિરાડો પડી ગઈ છે.
બ્રિજની મજબૂતી માટે ગેબેડિયન દીવાલ બનશે
વિશ્વામિત્રી પ્રોજેક્ટની ઝડપભેર ચાલતી કામગીરીને કારણે નદી પર આવેલા બ્રિજની આજુબાજુમાં પણ માટી ખોદકામ થવાથી બ્રિજના પાયાને અસર પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ બ્રિજની મજબૂતાઈ માટે ગાંધીનગરના અગ્ર સચિવ સાથે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતું. દરમિયાનમાં કોર્પોરેશનમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂા. 180 કરોડની સહાય ફાળવી છે.
વિશ્વામિત્રી નદી પર આવેલા સમા, મંગલપાંડે કારેલીબાગ, નરહરિ, કાલાઘોડા, ભીમનાથ, દાંડિયાબજાર- અકોટા, મુજમહુડા, માંજલપુર, કલાલી બ્રિજની આજુબાજુમાં મોટી ખોદકામ થયા બાદ બ્રિજને નુકસાન થાય નહિ તેને ઘ્યાનમાં રાખી બ્રિજની આજુબાજુમાં મજબૂતાઈ માટે ગેબેડિયનની દીવાલ(મોટા પથ્થરોની દીવાલ) બનાવવાનું આયોજન કર્યું છે. રાજ્ય સરકારે રૂા. 180 કરોડની ગ્રાન્ટ આપી છે તેમાંથી બ્રિજના મજબૂતી કરણ પાછળ પણ નાણાં ખર્ચાશે.