વિરમગામમાં ગોલવાડી દરવા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં ગાય ખાબકી
ખુલ્લી વરસાદી ગટરને કન્સિલ્ડ કરવા માંગ
જીવદયા પ્રેમી યુવાનો મહામહેનતે ગાયને બહાર કાઢી ઃ ગટરમાં કચરો નાખતા વેપારીઓ-રહિશો સામે કાર્યવાહી કરવા માંગ
વિરમગામ - વિરમગામ શહેરમાંથી પસાર થતી ખુલ્લી વરસાદી ગટરની અંદર અવારનવાર વાહનો અને પશુઓ પડવાની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે આજે ગોલવડી દરવાજાથી ભરવાડી દરવાજા વચ્ચે આવેલ ખુલ્લી વરસાદી ગટરમાં ગાય ખાબકી હતી. જેથી જીવદયા પ્રેમી યુવાનોએ ભારે જહેમત બાદ ગટરમાંથી બહાર કાઢી ગાયનો જીવ બચાવ્યો હતો.
વિરમગામ શહેરમાંથી અંદાજિત ૪ કિમી લાંબી ખુલ્લી વરસાદી ગટર કોટની બહારથી પસાર થાય છે. આ વરસાદી ગટરમાં બારેમાસ કાદવ-કીચડ, કચરો, પ્લાસ્ટિકની થેલીઓથી છલોછલ ભરેલી હોય છે. આજે મંગળવાર, બપોરના સમયે એક ગાય ગટરમાં ફસાઈ ગઈ હતી. ગાયનું ફક્ત માથું બહાર દેખાતું હતું. ગાયનો જીવ બચાવવા માટે સ્થાનિક લોકોએ ફોટા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા. જેની જાણ શહેરના જીવદયા પ્રેમી યુવાનો થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સામૂહિક પ્રયત્નો હાથ ધરી મહામહેનતે વરસાદી ગટરમાં ફસાયેલી ગાયને બહાર કાઢી જીવ બચાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાંથી પસાર થતી ખુલ્લી વરસાદી ગટરને કરોડનાં ખર્ચે કન્સિલ્ડ કરવા માટે એકાદ વર્ષ પહેલા મોટી મોટી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ શહેરમાંથી કોટની બહાર પસાર થતી ખુલ્લી વરસાદી ગટરને કન્સિલડ કરવાનું કામ જ્યાં હાલ જરૃર નથી ત્યાં વોર્ડ ૨ માંથી શરૃ કરવામાં આવ્યું છે. ગોલવાડીથી ભરવાડી દરવાજા વચ્ચેની વરસાદી ગટર સાફ-સફાઈ કરવામાં આવે તેવી પણ પ્રબળ માગ ઉઠી છે. વરસાદી ગટરની અંદર કચરો નાખતા વેપારી અને શખ્સો સામે નગરપાલિકા તંત્ર વામણું સાબિત થયું છે.