- નગરપાલિકાની બેદરકારીથી લોકોમાં રોષ
- હોજનું હોલ સાંકડો હોવાથી ઉપરનો ભાગ તોડીને ગાયને બચાવી લેવાઇ, ગૌપ્રેમીઓને રાહત
બગોદરા : ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં સામવેદ કોમ્પલેક્સ પાસે શનિવારે હોજમાં ગાય ખાબકી હતી. ભારે જહેમત બાદ જેસીબીની મદદથી ગાયને હોજમાંથી સલામત રીતે બહાર કાઢવામાં અવા હતી.
શહેરના કલિકુંડ વિસ્તારમાં સામવેદ કોમ્પલેક્સમાં આવેલા પાણીના એક ખુલ્લા હોજમાં ગાય પડી ગઇ હતી. હોજ પર કોઇ સુરક્ષિત ઢાંકણું ન હોવાથી અકસ્માત સર્જાયો હતો. આ અંગે પાલિકાને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઇ ફાયર બ્રિગ્રેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગ્રેડને રેસ્કયૂ દરમિયાન માલૂમ પડયું કે પાણીનો હોજનું હોલ સાંકડો હોવાથી ગાયને સીધી રીતે બહાર કાઢવી અઅશક્ય હતી. આખરે તાત્કાલિક જેસીબી મશીન મંગાવવામાં આવ્યું હતું. જેસીબીની મદદથીી હોજનો ઉપરનો ભાગ તોડીને મોટો કરવામાં આવ્યો હતો. બાદમાં ભારે જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ગાયનો બચાવ થતાં ગૌપ્રેમીઓને રાહત થઇ હતી.
નોંધનીય છે કે, આ હોજમાં ગાય ખાબકવાની બીજી ઘટના છે. વારંવાર પશુઓ પડી રહ્યાં હોવા છતાં પાલિકાના સત્તાધિશો બેદરકારી દાખવી રહ્યચાં છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માગણી ઉઠી છે.


