ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 100ને પાર, અમદાવાદમાં નવા 17 કેસ નોંધાતા ચિંતા વધી
Corona Case in Gujarat : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે 100ને પાર થઇ ગયો છે. રાજ્યમાં હાલ 109 જેટલા દર્દી કોરોનાનાની સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ : 76 દર્દીઓ હાલ સારવાર હેઠળ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 76 એક્ટિવ કેસ છે. આ પૈકી બે દર્દીઓ જ એવા છે જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બેમાંથી એક દર્દી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છે. અન્ય એક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 67 વર્ષીય મહિલા દર્દીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. હાયપર ટેન્શન, હૃદયની સમસ્યા ધરાવતી આ મહિલાનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.
અમદાવાદમાં આ મહિને જ કોરોનાના 89 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 13 દર્દીઓ સાજા થયા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌથી વઘુ એક્ટિવ કેસ મામલે અમદાવાદ મોખરે છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોના મતે, કોરોનાની સ્થિતિથી હાલ ડરવાની કોઇ જ જરૂર નથી.