યુવતીની સગાઈ પહેલા પિતરાઈ કાકાએ અંગત પળોનો વિડીયો વાયરલ કર્યો
'મને કાકા શું લેવા કહે છે, હું તને ભત્રીજી નથી માનતો' કહી કાકાએ યુવતીની મરજીથી અંગત પળોનો વિડીયો બનાવ્યો હતો
સગાઇ અને લગ્ન બાદ સંબંધ રાખવા દબાણ કરતો હોય યુવતીએ વાત કરવાનું બંધ કરી દીધું હતું
સુરત, 30 જુલાઈ, 2020. ગુરૃવાર
સુરતના પુણા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી સાથે મને કાકા શું લેવા કહે છે, હું તને ભત્રીજી નથી માનતો કહી પિતરાઈ કાકાએ પ્રેમ સંબંધ બાંધી બાદમાં યુવતીની મરજીથી અંગત પળોનો વિડીયો બનાવ્યો હતો. યુવતીની સગાઈ અંગે વાત શરૃ થતા પિતરાઈ કાકાએ લગ્ન બાદ પણ સંબંધ ચાલુ રાખવા કહ્યું હતું પરંતુ યુવતીએ બોલાવનું બંધ કરતા પિતરાઈ કાકાએ સગાઈના ગણતરીના દિવસો અગાઉ જ અંગત પળોનો વિડીયો વાયરલ કરી દીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવીની 25 વર્ષીય પુત્રી માધવી ( નામ બદલ્યું છે ) ઘરે જ સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરે છે. આ કામ તેને ચાર વર્ષ અગાઉ તેના પિતરાઈ કાકા મુકેશ ડાહ્યાભાઈ લાડુમોર ( રહે. 60, મુક્તિધામ સોસાયટી, દક્ષિણામૂત સ્કૂલની સામે, પુણા, સુરત ) એ જ શરૃ કરાવ્યું હોય તેમની ઘરે અવરજવર હતી. એક વર્ષ અગાઉ માધવી ઘરે એકલી હતી ત્યારે મુકેશે મને કાકા શું લેવા કહે છે, હું તને ભત્રીજી નથી માનતો, તું મને સારી લાગે છે, હું તને પ્રેમ કરું છું કહ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૃ થયો હતો. તેના એક માસ બાદ ફરી એકાંત મળતા બંનેએ અંગત પળો માણી હતી અને માધવીની મરજીથી મુકેશે તેનો વિડીયો પણ બનાવ્યો હતો. દરમિયાન, ત્રણ માસ અગાઉ માધવીની સગાઈની વાત શરૃ થતા મુકેશે ઘરે આવી સગાઈ અને લગ્ન બાદ પણ તું મારી સાથે સંબંધ રાખજે તેમ કહ્યું હતું.
મુકેશે સગાઈ અને લગ્ન બાદ સંબંધ રાખવા દબાણ કરતા માધવીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. આથી મુકેશે માધવીની સગાઈના ગણતરીના દિવસો અગાઉ જ અંગત પળોનો વિડીયો પહેલા માધવીના પિતાને અને બાદમાં સમાજના અગ્રણીઓને મોકલી વાયરલ કર્યો હતો. માધવીએ આખરે આજરોજ પિતરાઈ કાકા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.