ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત

મહાત્મા મંદિર પાસે અકસ્માત
રીષેશ દરમિયાન વાવોલ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના ઃ પોલીસે પીછો કરી ટ્રકને પકડયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર પાસે આજે બપોરના સમયે મોપેડ લઈને ઘર તરફ જઈ રહેલા સ્ટેનોગ્રાફરને ટ્રકે હડફેટે લેતા શરીરને ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જોકે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ભાગવા ગયો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. હાલ આ ઘટના અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હિટ એન્ડ રનના બનાવવામાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. આજે બપોરના સમયે શહેરના મહાત્મા મંદિર પાસે પણ વધુ એક અકસ્માતની ઘટનામાં કોર્ટના કર્મચારીનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલમાં આવેલા સન કોમ્પ્લેક્સમાં રહેતા અને ગાંધીનગર કોર્ટમાં ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મૂળજીભાઈ રાઠોડ આજે બપોરના સમયે કોર્ટમાં રીષેશ દરમિયાન તેમનું મોપેડ લઈને ઘરે વાવોલ તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ મોપેડ ઉપર મહાત્મા મંદિરના ગેટ નંબર પાંચ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા અને જેના કારણે તેઓ નીચે પટકાયા હતા. આ દરમિયાન ટ્રકનું ટાયર તેમના ઉપરથી નીકળી ગયું હતું અકસ્માત બાદ આ ટ્રક ચાલક ત્યાંથી ભાગવા લાગ્યો હતો પરંતુ નજીકમાં જ રહેલી પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે શરીરે ગંભીર ઇજાઓને કારણે દિનેશભાઈનું સ્થળ ઉપર જ મોત થયું હતું. હાલ અકસ્માતની આ ઘટના અંગે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.









